ગાંધીનગરઃ ગુજરાતમાં ગામેગામ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ચાલી રહી છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ રસોઈ બનાવીને બાળકોને ભોજન આપતા હોય છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને પોષણયુક્ત આહાર આપવા માટે આ યોજના આશીર્વાદરૂપી બની છે. જોકે અન્ય સરકારી યોજનાઓની માફક મધ્યાહન ભોજન યોજનામાં પણ લોલમલોલ કામ ચાલી રહ્યું હોય તેમ આ યોજનાનાં કર્મચારીઓને ડિસેમ્બર 2022 થી આજદિન સુધી ચાર મહિનાનો પગાર પણ ચૂકવાયો નથી. એટલું જ નહીં બાળકો માટે અનાજનો પૂરતો જથ્થો પણ ફાળવવામાં આવતો નથી. ત્યારે આ મામલે ત્વરિત જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા CMને પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે.
મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોર જોષીએ જણાવ્યું હતું કે, આ યોજનાના કર્મચારીઓને ડિસેમ્બરથી ચાર મહિનાનો પગાર ચૂકવાયો નથી. ઉપરાંત અમુક જિલ્લામાં હજી સુધી અનાજ ફાળવવામાં આવ્યુ નથી. સુખડી માટેની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી નથી. આ ઉપરાંત કુકીંગ કોસ્ટનો ભારત સરકાર દ્વારા ઓગસ્ટ 2022થી વધારો કરેલ છે છતાં રાજ્ય સરકાર દ્વારા કુકીંગ કોસ્ટમાં હજુ સુધી વધારો કરવામાં આવ્યો નથી તેમજ લાભાર્થી વિદ્યાર્થીની સંખ્યા મુજબ અનાજનો જથ્થો અને સરકાર દ્વારા વેતન વધારો કરાયો છે તે મુજબ વેતન પણ મળતું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા 1 થી 25 લાભાર્થીઓની સંખ્યા હોય તો સંચાલકને 3000 રસોયાને 1000, 25થી 100ની લાભાર્થીની સંખ્યા હોય તો સંચાલકને 3000 રસોયાને 2500 અને 100થી ઉપર લાભાર્થીની સંખ્યા હોય તો રસોયાને 2500 સંચાલકને 3000 આ મુજબ ચુકવવાનું ઠરાવાયું છે. પરંતુ અમુક જિલ્લામા સરકારના ઠરાવનું ખોટુ અર્થઘટન કરી કર્મચારીને સૌથી વધુ સંખ્યા હોય તો મદદનીશને માત્ર 1000 રૂપિયા ચુકવવામા આવે છે. ત્યારે સરકારના ઠરાવ મુજબ 2500નું વેતન ચુકવવામાંગ છે. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ મધ્યાહન ભોજન યોજનામાં દર વર્ષે 7.5% કુકીંગ કોસ્ટમાં વધારો કરવા સૂચન કરેલું છે જે વર્ષ 2020 પછી આજ દિન સુધી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યુ નથી. ત્યારે હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખી ત્વરિત વધારો કરી આપવામાં આવે તેવી માંગ છે. (file photo)