નાણામંત્રી નિર્મલા સીતારામણ 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે બજેટ, મધ્યમવર્ગના લોકોને રાહત મળવાની સંભાવના
- નાણામંત્રી નિર્મલા સીતારામણ 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે બજેટ
- સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 8 એપ્રિલ સુધી ચાલશે
- મધ્યમવર્ગના લોકોને ટેક્સમાં મળી શકે છે રાહત
- સ્વાસ્થ્ય સેક્ટર પર વધારે ભાર આપી શકે છે સરકાર: નિષ્ણાંતો
- કોરોનાને કારણે આ વખતેનું બજેટ સંપૂર્ણપણે પેપરલેસ હશે
દિલ્લી: કોરોનાવાયરસ મહામારીએ તમામ રીતે લોકોને ઓનલાઈન કામ કરતા કર્યા છે. હવે તકેદારીના ભાગરૂપે અનેક કામ ઓનલાઈન થવા લાગ્યા છે ત્યારે હવે દેશનું બજેટ પણ કાંઈક આ રીતે જ રજૂ કરવામાં આવશે.
સૂત્રોએ કહ્યું કે, સરકારને સંસદના બંને ગૃહો તરફથી આવી મંજૂરી મળી છે. આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે મુદ્રણ પ્રક્રિયામાં ઘણા લોકોને કોરોના વાયરસની આશંકા વચ્ચે પખવાડિયા સુધી પ્રેસમાં રહેવાની જરૂર પડતી, જેનાથી બચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બજેટ દસ્તાવેજ સામાન્ય રીતે નોર્થ બ્લોકમાં નાણાં મંત્રાલયના ઇન-હાઉસ પ્રિન્ટીંગ પ્રેસમાં મુદ્રિત કરવામાં આવે છે.
નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં ઘણી પરંપરાઓ તૂટી શકે છે. નાણાં મંત્રાલય દ્વારા આ વખતના બજેટમાં આયોજિત ‘હલવા’ સમારોહને પણ ટાળી શકાય છે,અથવા તેમાં ઓછા લોકો સામેલ થઇ શકે છે. અહેવાલ છે કે, સરકારે દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણની અસરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
આ સમારોહ જે સામાન્ય રીતે 20 જાન્યુઆરીની આસપાસ શરૂ થાય છે,તેમાં તમામ બજેટ બનાવનાર સામેલ થાય છે. અને છાપવાની શરૂઆત કરે છે. એકવાર પ્રિન્ટીંગ શરૂ થયા બાદ પ્રિન્ટીંગ કર્મચારી બજેટ રજૂ થાય ત્યાં સુધી પ્રેસની અંદર રહે છે. માત્ર કેટલાક ઉચ્ચ ક્રમાંકિત અધિકારીઓને પ્રવેશની મંજૂરી છે. અને તેઓ પણ ફક્ત વિશેષ ઓળખ કાર્ડના આધારે જ પ્રવેશ કરી શકે છે. આને લગતી સંપૂર્ણ પ્રક્રિયા જેમ કે લોડિંગ-અનલોડિંગ અને પરિવહન,વિશેષ સુરક્ષા દળો દ્વારા સંચાલિત થાય છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરશે. સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે.
ફાઈનાન્સ વિભાગના જાણકારો મુજબ – આ વખતનું બજેટ ગયા વર્ષના બજેટ કરતા વધારે સારુ હોઈ શકે તેમ છે. આ વખતના બજેટમાં ખેડૂતો તથા મધ્યમવર્ગના લોકો માટે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવી શકે છે. જો વાત કરવામાં આવે સ્વાસ્થ્યની તો કોરોનાવાયરસ જેવી મહામારીને ધ્યાનમાં રાખીને ભારત સરકાર ભારતીય લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્યનું બજેટ વધારે તેવી પણ સંભાવના છે.
સાથે સાથે નિષ્માંતો દ્વારા તે પણ જણાવવામાં આવ્યું છે કે ભારતમાં મધ્યમવર્ગના લોકોની સંખ્યા વધારે છે અને તેમને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રકારના ટેક્સમાં ફેરફાર કરી શકે છે જે મધ્યમવર્ગના લોકો માટે વધારે લાભદાયી સાબીત થઈ શકે છે.
કોરોના મહામારીને કારણે આ વખતેનું બજેટ સંપૂર્ણપણે પેપરલેસ હશે.અને નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે.કોરોના મહામારીને કારણે વચ્ચે નાણાં મંત્રાલયે બજેટના દસ્તાવેજો નહીં છાપવાનો નિર્ણય લીધો હતો. આ એક એતિહાસિક પગલું છે, કારણ કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર હશે, જ્યારે બજેટનાં કાગળોને પ્રિન્ટ કરવામાં આવશે નહીં.
-દેવાંશી