Site icon Revoi.in

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચેટિયો પકડાયો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં લાંચ માગવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે શહેરમાં રૂપિયા 5000ની લાંચ લેતા પેન્શન કચેરીના નાયબ હિસાબનીશ મહેસ દેસાઈ એસીબીની ટ્રેપમાં પકડાયા હતા. ત્યાં જ બીજા કેસમાં રખિયાલ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ વતી લાંચ લેતા વચેટિયા 10 હજારની લાંચ લેતા પકડાયો હતો.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે મારામારીના કેસમાં આરોપીને મારઝૂડ નહીં કરવા, ઝડપથી જામીન કરાવવા, અન્ય કેસમાં નહીં ફસાવવા અને પાસા નહીં કરવા 30 હજારની લાંચ માગી હતી. જેમાંથી 20 હજાર લાંચ આપી દીધી હતી. જ્યારે બાકીની લાંચની રકમ લેતા ACBએ પોલીસકર્મી વતી વચેટિયાને ઝડપી લીધો છે. જ્યારે પોલીસકર્મી ફરાર થઈ ગયો હતો.

એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનના મારામારી કેસમાં આરોપીને રજૂ કરી, મારઝૂડ નહીં કરવા,ઝડપથી જામીન કરાવવા, બીજા અન્ય કેસોમાં નહીં ફસાવવા અને પાસા નહીં કરવા માટે ચારોડિયા ચોકીના કોન્સ્ટેબલ કરણે 30 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. જે પૈકી આરોપીના મિત્રએ ગભરાય જઈ 20 હજાર રૂપિયા આપી દીધા હતા. બાકીના 10 હજાર રૂપિયા લેવા માટે પોલીસકર્મી કરણ અવારનવાર ફોન કરી માગણી કરતો હતો. જેથી આરોપીના મિત્રએ પૈસા ન આપવા હોવાથી ACBને સંપર્ક કર્યો હતો. ACBએ લાંચ માટેનું છટકું ગોઠવ્યું હતું કે દરમિયાન કરણનો માણસ રસૂલ અલ્લા રખા સૈયદ ઝડપાઈ ગયો હતો. જ્યારે કરણ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. ACBએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.