અમદાવાદઃ શહેરના સિન્ધુભવન રોડ પર મધરાતે નબીરાઓનો અડ્ડો જામતો હોય છે. મોંધીદાટ કારોની રેસ પણ જોવા મળતી હોય છે. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી શહેર પોલીસ વધુ એલર્ટ બની છે. અને સમયાંતરે ડ્રાઈવ યોજવામાં આવે છે. દરમિયાન ગત મધરાતે શહેર પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. પોલીસે કારચાલકો નશાની હાલતમાં છે કે કેમ, તેની તપાસ કરી હતી. પોલીસની ડ્રાઈવથી નબીરાઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
શહેરના સિંધુભવન રોડ પર ડ્રગ્સ – દારૂનું દૂષણ દૂર કરવા તેમજ રેસ, સ્ટંટ કરતા નબીરાઓ સામે પોલીસે ફરી સોમવાર રાતથી ડ્રાઈવ શરૂ કરી છે. આ વખતની ડ્રાઈવમાં સ્થાનિક પોલીસની સાથે બહારના પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદ લેવામાં આવી રહી છે. અને હવે સમયાંતરે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવશે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, સ્થાનિક પોલીસ પાસે રોજિંદુ કામ હોવાથી તેઓ રોજ નાકાબંધી કરીને વાહનચેકિંગ તેમજ કેફેમાં તપાસ કરી શકતી નથી. જેથી હવેથી અન્ય પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લેવામાં આવશે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના સિંધુભવન રોડ તેમજ આસપાસના વિસ્તારમાં ડ્રગ્સ – દારૂનું દૂષણ વધ્યું છે. જો કે ભૂતકાળમાં પોલીસ 2 – 4 દિવસની ડ્રાઈવ આપતી હતી. પરંતુ સોમવારથી દારૂ, ડ્રગ્સ, રેસ અને સ્ટંટ કરતા નબીરાઓ સામે લાંબી ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે. રાત્રે 12 પછી સિંધુભવન રોડ પર કોઈને બેસવા દેવામાં આવશે નહીં. સિંધુભવન રોડ ખાણી-પીણીનું પણ મોટું બજાર બની ગયું છે. લોકો વૈભવી ગાડીઓમાં રસોડા બનાવીને ફૂટપાથ ઉપર ટેબલ – ખુરશી ગોઠવીને જમવાનું પીરસી રહ્યા છે. જેના કારણે લોકો મોડી રાત સુધી અહીં બેસી રહે છે. જો કે સોમવારથી શરૂ કરાયેલી ડ્રાઈવના ભાગરૂપે રાત્રે 12 વાગ્યા પછી સિંધુભવન રોડ ઉપર કોઈને બેસવા દેવામાં આવશે નહીં. (File photo)