- જમ્મુ-કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ
- આતંકીઓ દ્વારા પરપ્રાંતિય મજૂરની હત્યા
- બાંદીપોરામાં બની આ ઘટના
12 ઓગસ્ટ,શ્રીનગર:સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ફરી વધી છે. ગુરુવારે કેન્દ્ર શાસિત પ્રદેશના રાજૌરી જિલ્લામાં આતંકવાદી હુમલામાં 4 જવાનો શહીદ થયા હતા, જ્યારે સુરક્ષા દળોએ પણ 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.આ દરમિયાન ઘાટીમાં ટાર્ગેટ કિલિંગની બીજી ઘટનાને અંજામ આપતા આતંકવાદીઓએ એક પરપ્રાંતિય મજૂરની હત્યા કરી નાખી છે. આ પરપ્રાંતિય મજૂર બિહારનો રહેવાસી હતો.
આતંકવાદીઓએ શુક્રવારે વહેલી સવારે અહીંના બાંદીપોરામાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.આ સાથે આતંકીઓની શોધમાં ઘેરાબંધી કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બાંદીપોરા જિલ્લાના તહસીલ અજસના સાદુનારા ગામમાં બની હતી.મજૂર બિહારનો રહેવાસી હતો.તેની ઓળખ મોહમ્મદ અમરેજ (19 વર્ષ) તરીકે થઈ હતી.અમરેજ મધેપુરા જિલ્લાના બેસદ ગામનો રહેવાસી હતો.તેમના પિતાનું નામ મોહમ્મદ જલીલ કહેવવામાં આવ્યું હતું.
અમરેજ અહીં કામ અર્થે આવ્યો હતો. તેના વિશે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે આ મધરાતની ઘટના છે. બાંદીપોરાના સોડનારા સુમ્બલમાં આતંકવાદીઓએ મજૂર પર ગોળીબાર કરીને તેને ઘાયલ કર્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.