Site icon Revoi.in

સુરતમાં દિવાળી પહેલા પરપ્રાંતિયો માદરે વતન જવા રવાના

Social Share

 સુરતઃ દિવાળીના પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં વસવાટ કરતાં પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. સુરત-ઉધનાથી ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ દક્ષિણના રાજ્યોમાં જતા ટ્રેનોમાં નો-વેકન્સી જેવી સ્થિતિ છે. ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતના પ્રવાસીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઉત્તર ભારત જવા માટે મોટાભાગની ટ્રેન ઉધના રેલવે સ્ટેશન પરથી ઉપડવાની છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર વહેલી સવારથી જ યાત્રિકોનો જમાવડો થતો જોવા મળી રહ્યો છે. લોકો ટ્રેન પકડવા માટે વહેલા પાંચ વાગ્યાથી આવીને લાઈનો લગાવી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. યુપી-બિહાર સહિતના મુસાફરોને ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ પરપ્રાંતના પ્રવાસીઓ સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા જોવા મળી રહ્યાં છે. વતન જવા માટે પ્રવાસીઓની મોટી લાઈનો જોવા મળી રહી છે.મોટી સંખ્યામાં ઉમટતાં લોકોથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.

સુરતમાં ટેક્સટાઈલ્સ સહિત વિવિધ ઉદ્યોગો તેમજ બિલ્ડિંગ ઉદ્યોગમાં પરપ્રાંતના લોકો રોજગારી મેળવી રહ્યા છે. પ્રરપ્રાંતના સુરત શહેરમાં વસવાટ કરતા લોકો દિવાળી અને 6ઠ્ઠની પૂજાને લીધે પોતાના માદરે વતન જતા હોય છે. હવે દિવાળીના તહેવારોને એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે પરપ્રાંતિઓએ વતનની વાટ પકડી છે.