રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઔદ્યાગિક શહેરોમાં રાજકોટ, મોરબી, અને જામનગર પ્રથમ હરોળમાં આવે છે. અનેક ફેકટરીઓ અને નાના-મોટા કારખાનાઓમાં પરપ્રાંતના શ્રમિકોની સંખ્યા સારીએવી છે. હાલ તહેવારોની રજાઓ તેમજ મોરબીના સિરામિક ઉદ્યોગોએ સ્વૈચ્છાએ લોકડાઉન જાહેર કર્યું હોવાથી પરપ્રાંતના શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી છે. તેના લીધે સૌરાષ્ટ્રની લાંબા અંતરની તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. રાજકોટ ઉપરાંત મોરબી, શાપર, મેટોડાથી ઝારખડં તરફ જવા જબલપુર ટ્રેનમાં સારીએવી ભીડ જોવા મળી રહી છે.
શ્રાવણ માસના સાતમઆઠમ તહેવારોની રજાઓ શરૂ થતાં રાજકોટ, મોરબી, સાપર વેરાવળ, મેટોડા સહિતના ઔધોગિક વિસ્તારોના પરપ્રાંતના શ્રમિકોએ વતન જવા રેલવે સ્ટેશન પર ઉમટી રહ્યા છે, તેમાં બુધવારે બપોરે પોરબંદર–શાલીમાર (કોલકતા) સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેનમાં માત્ર બે જનરલ કોચ સામે 400 જેટલી ટિકિટો ફાટતા જગ્યા મેળવવા કે ટ્રેનમાં ચડવા જબરી અંધાધૂંધી સર્જાઈ હતી. રાજકોટ વિસ્તારની હજાર જેટલી મોટી ફેકટરીઓ ઉપરાંત મોરબીના 800 જેટલા તેમજ શાપર વેરાવળ, મેટોડાના હજારો કારખાનાઓમાં બુધવારથી જન્માષ્ટ્રમી તહેવારોનું વેકેશન શરૂ થતાં શ્રમિકો વતન જવા માટે રેલવે સ્ટેશને ઉમટી રહ્યા છે. તેમાં બુધવારે બપોરે ઝારખડં જવાની પોરબંદર–શાલીમાર (કોલકતા) સુપરફાસ્ટ ટ્રેનમાં શ્રમિકોનો ખૂબજ ધસારો રહ્યો હતો. આવી જ હાલત સોમનાથ–જબલપુર એકસપ્રેસ ટ્રેનમાં જોવા મળી હતી. શાલીમાર ટ્રેનમાં એક જનરલ કોચ આગળ અને બીજો છેલ્લે એમ બે જ કોચમાં ૧૫૦ જેટલા ઉતારુઓની જગ્યા સામે ૪૦૦ જેટલી ટિકિટો ફાટતા ટ્રેનમાં ચડવા બાબતે જબરી અંધાધૂંધી વ્યાપી ગઈ હતી. આરપીએફ સ્ટાફ દોડી ગયો હતો. જેમાં બે કોચમાં નહીં સમાયેલા શ્રમિકો ધરાર રિઝવર્ડ કોચમાં ચડી જતાં અન્ય ઉતારૂઓ પણ હાલાકીમાં મુકાયા હતા.