દિલ્હીઃ ભારતમાં કોરોનાની પ્રથમ લહેરમાં લોકડાઉન આપવામાં આવતા અનેક પરપ્રાંતિય શ્રમજીવીઓ ફસાયાં હતા. તેમજ તેમને ભારે હાલાકોની સામનો કરવો પડ્યો હતો. જો કે, કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા તેમને પરત ઘરે મોકલી આપવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. હાલ કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. જેથી અહીં વસવાટ કરતા પરપ્રાંતિય શ્રમિકોમાં ફરીથી લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે. એટલું જ મોટી સંખ્યામાં શ્રમજીવીઓ હિજરત કરીને પરત પોતાના વતન જવાની તૈયારીઓ કરી રહ્યાં છે. મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ ઉપર મોટી સંખ્યામાં ઉત્તરપ્રદેશ અને બિહારના શ્રમજીવીઓ ઉમટી પડ્યાં છે. તેમજ પોતાના વતન જવા માટે કલાકો સુધી ટ્રેનની રાહ જોવા મજબુર બન્યાં છે.
મુંબઈના રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમજીવીઓ વતન જવા માટે ઉમટી પડ્યાં છે. જેના કારણે ટીકટ માટે લાંબી લાઈનો લાગી છે. લોકો આખી રાત ટ્રેનની રાહ જોઈને રેલવે સ્ટેશન ઉપર જ બેસી રહ્યાં હતા. શ્રમજીવીઓના જણાવ્યા અનુસાર અહીં રોકાઈ એ તો ફરીથી ભુખ્યા મરવાની નોબત આવે તેવી શકયતા છે જેથી અહીં રોકાઈને શું કરવાનું.
રાતના 9 વાગ્યાથી લોકો આવવાના શરૂ થયું હતા. ધીમે-ધીમે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. મોટાભાગની ટ્રેનો સવારની હતી પરંતુ લોકડાઉનના ભય વચ્ચે લોકો રાતથી જ સ્ટેશન પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પોલીસ પણ મુશ્કેલીમાં મુકાઈ હતી. જેથી લોકોને અંદર થતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. અનેક શ્રમજીવીઓને ટ્રેનની ટીકીટ પણ મળી હતી. જેથી તેઓ ટ્રેનના જનરલ ડબ્બામાં બેસીને ટીસી પાસે ચલણ કપાવવા પણ મજબુર બન્યાં હતા. રેલવે સ્ટેશન ઉપર લોકો આખી રાત ભુખ્યા તરસ્યા બેસી રહ્યાં હતા. બીજી તરફ પોલીસ તથા અન્ય અધિકારીઓ પણ તેમને સમજાવીને પરત મોકલવાનો પ્રયાસ કર્યાં હતા.