નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુના સમયથી યુધ્ધ ચાલી રહ્યું છે, આ ઉપરાંત ચીન-તાઈવાન, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સહિતના દેશો વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાન અને ચીન સાથે ભારતના સંબંધ તંગ બન્યાં છે. જેના પરિણામે વિશ્વના વિવિધ દેશોમાં લશ્કરી ખર્ચમાં સર્વોચ્ચ ટોચે વધારો નોંધાયો છે. એક વર્ષના સમયગાળામાં ભારતનો સૈન્ય ખર્ચમાં 6 ટકાનો વધારો થયો છે.
સ્ટોકહોમની એક ખાનગી સંસ્થા સિપ્રી તાજેતરના અહેવાલ અનુસાર, યુક્રેન પર રશિયાના હુમલાને કારણે સમગ્ર યુરોપમાં સેના પરનો ખર્ચ ઘણો વધી ગયો છે. સિપ્રીએ જણાવ્યું કે વર્ષ 2022માં દુનિયામાં સેના પર 2.24 ટ્રિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સતત આઠમું વર્ષ છે જ્યારે સમગ્ર વિશ્વમાં સૈન્ય ખર્ચમાં વધારો થયો છે. યુરોપમાં, તે વધીને 13 ટકા થયો છે, જે ઓછામાં ઓછા 30 વર્ષમાં સૌથી ઝડપી છે. તે જ સમયે, ચીન સાથેના તણાવ વચ્ચે, ભારતે પણ વર્ષ 2022 માં તેના સૈન્ય ખર્ચમાં 6 ટકાનો વધારો કર્યો છે.
યુક્રેન અને રશિયા વચ્ચે એકાદ વર્ષથી યુદ્ધ ચાલી રહી છે, આ યુદ્ધને પગલે દુનિયાના મોટાભાગના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. અમેરિકા અને યુકે સહિતના દેશોએ રશિયા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જ્યારે ચીને રશિયાને સમર્થન આપ્યું હતું. જો કે, ભારતે કોઈ પણ દેશને સમર્થન કરવાને બદલે બંને દેશોને શાંતિથી વાતચીતથી સમસ્યાનો નિકાલ લાવવા માટે અપીલ કરી હતી.