Site icon Revoi.in

મિલ્ખા સિંહ ફરીથી હોસ્પિટલમાં દાખલ, ઓક્સિજનનું લેવલ ઘટતા ICUમાં રખાયા

Social Share

ચંદીગઢ:મહાન ભારતીય એથલીટ અને ફ્લાઈંગ શીખ તરીકે જાણીતા દિગ્ગજ  સ્પ્રિન્ટર મિલ્ખા સિંહને ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મિલ્ખા સિંહ હાલમાં જ કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં આવ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર દિવસ પહેલા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ હવે ફરી એક વખત તેમને પીજીઆઈ ચંદીગઢના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, મિલ્ખાના ઓક્સિજનનું સ્તર ઘટ્યા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને આઈસીયુમાં રાખ્યા છે.

91 વર્ષના મિલ્ખા સિંહ ગયા મહિને 19 મેના રોજ કોરોના સંક્રમિત જાણવા મળ્યા હતા.ત્યારબાદ તે થોડા દિવસો માટે ઘરે જ કવોરેન્ટાઈન હતા. 24 મેના રોજ તેને ચંદીગઢની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે કોવિડ -19 ન્યુમોનિયાથી પીડિત હોવાથી ઓક્સિજન સપોર્ટ પર હતા. મિલ્ખા બાદ તેની 82 વર્ષની પત્ની નિર્મલ કૌરને પણ આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ભૂતપૂર્વ ઓલિમ્પિયન અને કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન મિલ્ખા સિંહને તેની સ્થિતિ સુધર્યા બાદ 30 મેના રોજ તેમના પરિવારની વિનંતીથી ઘરે જવા દેવા માટે અનુમતિ આપવામાં આવી હતી, જ્યારે તેમની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, આ પછી ગુરુવારે તેની તબિયત ફરી કથળી હતી અને તેમને પીજીઆઈ ચંદીગઢમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના પ્રવક્તા પ્રોફેસર અશોક કુમારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઓક્સિજનના સ્તરમાં સતત ઘટાડો થવાને કારણે તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, તેની હાલત સ્થિર છે.