સુરતઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓએ પોતાના વતન જઈ રહ્યા છે. શહેરમાં વસતા લાખો લોકો બસ,ટ્રેન અને ખાનગી વાહનો મારફતે માદરે વતન દિવાળી ઉજવવા જઈ રહ્યા છે. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 653 બસો ઉપાડવામાં આવી રહી છે અને કુલ 1500 બસો સુધીની તૈયારી રાખવામાં આવી છે.જયારે રોજની 700 ટ્રાવેલ્સ બસો મારફતે લોકો સૌરાષ્ટ્ર ભણી જઈ રહ્યા છે. આવી જ રીતે ઉત્તર ભારતીયો અને રાજસ્થાનીઓ માટે દોડનારી સ્પેશ્યલ ટ્રેનો હાઉસફૂલ છે. રોજની 7 ટ્રેનોમાં 11000થી વધુ મુસાફરો ઉત્તરભારત જઈ રહ્યા છે. અંદાજિત 50 હજારથી વધુ પરિવારો પોતાની કારમાં સૌરાષ્ટ્ર અને અન્ય ગંતવ્યો માટે રવાના થયા છે. આજે રવિવારથી 3જી તારીખ દરમિયાન તમામ બસો અને ખાનગી વાહનોમાં હાઉસફૂલના પાટિયા લટકી રહ્યા છે.
સુરત શહેરમાં પરપ્રાંતના પણ અનેક પરિવારો વસવાટ કરે છે. તેમજ મોટાભાગના શ્રમિકો પણ પરપ્રાંતના છે. અને દિવાળીના તહેવારો દરમિયાન પરપ્રાંતના લોકો પોતાના વતન જતાં હોય છે. એટલે સુરતથી ઉત્તર પ્રદેશ, બિહાર, અને રાજસ્થાન જતી તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. રેલવે દ્વારા પાંચ ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જેમાં બાંદ્રા ટર્મિનસ-ભુજ સાપ્તાહિક, બાંદ્રા ટર્મિનસ -ઓખા સ્પેશ્યલ, બાંદ્રા ટર્મિનસ -ઓખા સુપરફાસ્ટ, બાંદ્રા ટર્મિનસ -ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ-બિકાનેર ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનનો સમાવેશ થાય છે. દિવાળીના આગલા દિવસ સુધીમાં સુરતથી જ 2 લાખ જેટલા લોકો ઉત્તર ભારતના અલગ અલગ જિલ્લાઓ અને રાજયમાં પહોંચી ચુક્યા હશે.19મી ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધીમાં રોજની 7 ટ્રેનો પ્રમાણે 11000થી વધુ લોકો રોજે રોજ ઉત્તરભારત તરફ જઈ ચુક્યા હશે.
આ ઉપરાંત દિવાળી અગાઉના 3 દિવસ દરમિયાન રોજની 700થી બસો સૌરાષ્ટ્રના ગંતવ્યો તરફ જશે. શહેરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ પૈકી અંદાજિત 50 હજાર કુટુંબો પોતાની કારમાં વતનની વાટ પકડશે. સુરત એસ.ટી.વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત જતા હજારો યાત્રીઓને વતન જવા માટે સુવિધા ઉપલબ્ધ થાય તે માટે આજે રવિવારથી દિવાળી સુધી 1500 એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી મારફતે જ લગભગ 1 લાખ કરતા વધુ લોકો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં જશે.એસટીના સુરત વિભાગના નિયામક સંજય જોશીના જણાવ્યા પ્રમાણે 653 બસોમાં અત્યારથી ગ્રુપ બુકીંગ અને એડવાન્સ બુકીંગ થઇ ચૂક્યું છે.