Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકામાં ખનિજ વિભાગના દરોડા, 45 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ખનીજચોરીનું દુષણ વધતું જાય છે. જેમાં ભાદર નદીમાં ઠેર ઠેર રેતી ભરતા ડમ્પરો જોવા મળતા હોય છે. જ્યારે ચોટિલા અને સાયલા વિસ્તારમાં કપચીના અનેક ભરડિયા આવેલા છે. અને લીઝ ઉપરાંતનું પણ ખોદકામ કરાતું હોવાની પણ અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. જિલ્લાના મુળી, લીંબડી અને ધ્રાંગધ્રા તાલુકામાં થતી બેરોકટોક ખનીજ ચોરી સામે જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં ત્રણ સ્થળોએથી નદીમાંથી રેતીચોરી પકડી પાડીને બે ગેરકાયદેસર વોશ પ્લાન્ટ, બે  લોડર મશીન, બે ડમ્પર, સાદી રેતી સહિત અંદાજે રૂપિયા 45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં બેરોકટોક ખનીજચોરી થઈ રહ્યાની ફરિયાદો ઊઠતા ખાણ-ખનીજ વિભાગ સતર્ક બન્યું હતું. જેમાં જિલ્લાના મુળી તાલુકાના ઉમરડા, ધ્રાંગધ્રા તાલુકાના કુડા ચોકડી અને લીંબડી તાલુકાના બોડિયા ગામની ભોગાવો નદીમાંથી મોટાપાયે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા 2 ગેરકાયદેસર વોશ પ્લાન્ટ, 2 લોડર મશીન, 2 ડમ્પર, સાદી રેતી સહિત અંદાજે રૂપિયા 45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ખાણ ખનીજ વિભાગની છેલા 8 દિવસમાં મોટી કાર્યવાહીથી ભૂમાફિયાઓમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવો નદીમાં દિવસ દરમિયાન રેતીની ચોરી થતી હોય છે. અનેક મોટા ડમ્પરો અને જેસીબી મશીનો નદીમાં જોવા મળતા હોય છે. રેતીનો જથ્થો મોટા પાયે ઉઠાવવામાં આવતો હોવાથી ઠેર ઠેર ઊંડા ખાડાંઓ પણ જોવા મળી રહ્યા છે. જિલ્લાના ખાણ-ખનીજ વિભાગે હજુ પણ વધુ સતર્ક થવાની જરૂર છે.