Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી, વાહનોનું ચેકિંગ કરીને એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવડ પંથકમાં કિંમતી ખનીજ ધરબાયેલું હોવાથી બેરોકટોક ખનીજની ચોરી થઈ રહી છે. ત્યારે જિલ્લાના ભૂતળમાં ખોદકામ કરીને બેફામ રીતે ખનીજની ચોરી અટકાવવા તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતુ. જેમાં સાયલા-લીંબડી હાઇવે અને મૂળીમાંથી વાહનો સાથે રૂ. 1 કરોડનો મુદામાલ પકડી પાડવામા આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં બેરોકટોક ગેરકાયદે ખનીજ ખનન થતુ હોવાની ફરિયાદો ઉઠી હતી. આ પ્રવૃત્તિને અટકાવવા માટે ખનિજ વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરતા ખનીજચોરી કરતા તત્વોમાં દોડધામ મચી ગઈ હતી. સાયલા-લીંબડી તેમજ મૂળી પંથકમાં ખનીજ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કચેરી સ્ટાફના રોયલ્ટી ઈન્સ્પેકટર સહિત સ્ટાફે  સાયલા-લીંબડી હાઇવે ખાતે ચેકીંગ દરમિયાન કુલ 4 ટ્રકો માલ સાથે પકડીને જપ્ત કરી હતી. સીઝ કરેલા વાહનોમાં 2 બ્લેક્ટ્રપ તથા 2 સાદિરેતી ખનીજ ગેરકાયદેસર વહન અન્વયે સિઝ કરી લીબડી પોલીસ સ્ટેશન કબજો સોંપવામાં આવ્યો હતો.. તેમજ વધુમાં તપાસ કરતા મૂળી તાલુકાના સાડલા ગામે 1 ટ્રક સાદિરેતી બિન અધિકૃત રીતે વહન કરેલુ જે પકડી મુળી પોલીસ સ્ટેશન કબ્જો સોંપ્યો હતો. આમ આજ ફુલ નાઈટ ચેકીંગ દરમિયાન કુલ 5 ડમ્પરો પકડી અંદાજે કુલ રૂ. 1 કરોડનો મુદ્દામાલ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવતા ભૂમાફિયાઓમાં દોડધામ મચી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,લખતર પંથકનાં સ્ટેટ હાઇવે ઉપર અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હાઇવે ઉપરથી ડમ્પરચાલકો નંબર વગરનાં બેફામ ઓવરલોડ ડમ્પર ચલાવતા હોય છે. લખતરના પી.એસ.આઇ. એમ.કે. ઈશરાણી તથા તેમની ટીમ લખતર નજીક પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન નંબર વગરનું ડમ્પર પસાર થતા ડીટેઈન કરી લખતર પોલીસ સ્ટેશનમાં સીઝ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લખતર પોલીસ ટીમ દ્વારા નંબર વગર ફરતા ડમ્પરો ઉપર લાલ આંખ કરવામાં આવી હોય તેમ હમણાં હમણાં છઠું ડમ્પર નંબર પ્લેટ વગર ઝડપી પાડ્યું હતું.  ત્રણેક દિવસ પહેલા વિઠ્ઠલાપરા બોર્ડર પાસેથી પણ નંબર પ્લેટ વગરનું ડમ્પર પકડ્યું હતું. જેને RTO દ્વારા રૂ.13,500/- નો દંડ પણ કરવામાં આવ્યો હતો.