રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પણ ખનીજચોરીનું દુષણ વકરી રહ્યું છે. તમામ નદીઓમાં રેતીની ચોરી તેમજ સરાકરી પડતર જમીનોમાં પણ પથ્થર અને માટીની બેરોકટોક ચોરી થાય છે. પોલીસથી લઈને ખાણ ખનીજ વિભાગ તેમજ જિલ્લાના તંત્રની નિષ્ક્રિયતા પણ જવાબદાર છે. ધોરાજી તાલુકામાં ખનીજ ચોરી બેરોકટોક થઈ રહ્યાની ફરિયાદો ઊઠ્યા બાદ ખાણ વિભાગના અધિકારીઓએ ભાદર નદીમાંથી રેતીચારી સામે દરોડા પાડીને ટ્રક, ટ્રેકટર સહિત 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પગલાં લેવાતા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં ખાણ ખનીજ તંત્રએ ખનીજ ચોરી રોકવા માટે આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે અને ચેકિંગ ઝુંબેશ કડક બનાવી છે. જે અનુસંધાને અધિકારીઓની ચેકિંગ ટીમ ધોરાજી તાલુકામાં ત્રાટકી હતી અને રેતીની ચોરી કરતા ત્રણ ટ્રક સહિત 24 લાખનો મુદામાલ કબજે લઇ કાર્યવાહી આરંભી છે. ખાણ વિભાગના આકરા તેવરના પગલે ભૂમાફિયાઓ ભોંભીતર થયા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભાદર નદીમાંથી બેફામ ચાલતી ખનીજ ચોરી ડામવા માટે રાજકોટ જિલ્લા ખાણ ખનીજ ખાતાના ભૂસ્તર શાસ્ત્રી વાઢેરની સૂચના અને માર્ગદર્શન તળે માઈન્સ સુપરવાઈઝર હિતેશભાઈ સોલંકીએ ધોરાજી વિસ્તારમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરી ને રેતી, ખનીજ ભરેલા ત્રણ ટ્રક સહિત રૂ 24 લાખનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજી ઉપલેટા પંથકમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિં ઝુંબેશ શરૂ કરાતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઈઝર હિતેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ધોરાજી પંથકમાંથી ત્રણ ટ્રક (1) Gj05 UU 8981 (2) GJ 13 W 2695 (3) GJ 0 3 AX 8731 સહિત રૂ 24 લાખનો મૂદામાલ કબજે લેવાયો છે અને હજુ પણ કડક ચેકિંગ ચાલુ રહેશે. (file photo)