Site icon Revoi.in

નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં નવમી વાર બજેટ રજૂ કરશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આવતીકાલે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી હોવાથી વિધાનસભાની કાર્યવાહી મુલત્વી રાખવામાં આવી છે. એટલે તા. 3 માર્ચના રોજ નાણામંત્રી નીતિન પટેલ નવમી વાર રાજ્યનું બજેટ રજૂ કરશે. નાણાકીય વર્ષમાં બજેટનું કદ રૂ. 2.17 લાખ કરોડનું હતું, પરંતુ આ વખતે કોરોના રોગચાળાને કારણે વર્ષ 2021 -22ના બજેટનું કદ રૂ. 2.30 લાખ કરોડની આસપાસ રહે તેવી શક્યતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ દ્વારા બજેટને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. તેમણે નાણામંત્રી તરીકે અત્યાર સુધીમાં 8 વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. હવે તા. 3 માર્ચના રોજ તેઓ નવમી વખત રાજ્યનું બજેટ વિધાનસભામાં રજૂ કરશે. સત્ર દરમિયાન લવ જેહાદનું બિલ પસાર થશે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સુધારા વિધેયક ,ગુજરાત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત રાજવીતિય જવાબદારી સુધારા વિધેયક, ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક સુધારા વિધેયક ઉપરાંત અન્ય સાત વિધેયકો રજૂ કરવાના મામલે કામકાજ સલાહકાર સમિતિ બહાલી આપવાના આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વચ્ચે વિધાનસભાનું બજેટ સત્ર યોજાવાનું હોવાથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ સહિતના આગેવાનોને કોરોના ટેસ્ટ બાદ જ પ્રવેશ આપવામાં આવશે. બીજી તરફ કોરોનાને લીધે વિધાનસભામાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રાજ્યનું બજેટ સત્ર પહેલી એપ્રિલ, 2021 સુધી ચાલશે. આ વખતે કોરોના રોગચાળાને કારણે વર્ષ 2021 -22ના બજેટનું કદ રૂ. 2.30 લાખ કરોડની આસપાસ રહે તેવી શક્યતા છે.