Site icon Revoi.in

ગુજરાતમાં રોડ-રસ્તાઓની ફરિયાદો માટે માર્ગ-મકાન વિભાગના મંત્રીએ પોતાના નામની એપ્લીકેશન બનાવી

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ તૂટી ગયાની ફરિયાદો ઊઠી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં તો પ્રથમ વરસાદમાં જ રોડ પર ખાડાંઓ પડી ગયા છે. આમ આદમી પાર્ટીએ ખાડાં પુરવાનો કાર્યક્રમ પણ આપ્યા હતો. ત્યારે રાજ્યના માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોબાઈલ એપ. બનાવીને લોકોની ફરિયાદો નોંધીને તેના નિકાલ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ તુટી જવાની અનેક ફરિયાદોને નિવારવા ગત વર્ષની માફક આ વર્ષે પણ રાજ્યના માર્ગ મકાન મંત્રીએ ઓનલાઈન ફરિયાદ કરવા માટે માર્ગ મરામત મહાઅભિયાન શરૂ કર્યું છે. જેમાં ગત વર્ષે 30 હજારથી વધુ ફરિયાદો સીધી જ માર્ગ મકાન મંત્રી સુધી કરવામાં આવી હતી. હવે આ વર્ષે મંત્રીએ પોતાના નામની “Purnesh Modi” એપ્લિકેશન તૈયાર કરાવી છે. જેના માધ્યમથી ફરિયાદો મંગાવવામાં આવી છે. સામાન્ય રીતે રાજ્યમાં મહાનગર પાલિકાઓ, પાલિકાઓ અને પંચાયતોમાં ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓની જવાબદારી બને છે કે, તૂટી ગયેલા રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા પરંતુ સીધા જ માર્ગ મકાન મંત્રીએ રસ્તાના મામલે દરમિયાનગીરી કરીને તેમના નામની એપ બનાવી છે.

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, આ ભાજપનો વહિવટ કેવો છે એનું ઉદાહરણ ખુદ પૂર્ણેશ મોદીએ આપ્યું છે. આ સરકાર ચાલે છે કે વ્યક્તિ ચાલે છે. રાજ્યની કોઈ વ્યવસ્થા જ નથી દેખાતી? વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં મ્યુનિ,ના સત્તાધિશો સદંતર નાકામ રહ્યા છે. રસ્તાઓના કામમાં, મરામતમાં ભ્રષ્ટાચાર થાય છે. અને હવે તેઓ એપ્લિકેશન જાહેર કરે છે. ખરેખર તો તેમણે મંત્રી તરીકેની જવાબદારી લેવી જોઈએ. આ વ્યક્તિગત નથી રાજ્યની વ્યવસ્થા છે. ગયા વખતે એક વોટ્સએપ નંબર હતો અને આ વખતે આ એપ આવી છે. પૂર્ણેશભાઈએ જ ભરૂચ જિલ્લામાં ઉદ્ઘાટન કરેલો બ્રિજ તુટી ગયો. એટલે તેમણે આ વ્યક્તિગત એપ્લિકેશન બનાવી છે, તે જ દેખાડે છે કે સરકાર કામ નથી કરતી. મંત્રીને પોતાની જ વ્યવસ્થા પર ભરોસો નથી.

આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, રોડના રીપેરિંગ માટે મંત્રી પૂર્ણેશભાઈ મોદીની એપ્લિકેશન કેમ માર્ગ મકાન વિભાગની એપ્લિકેશન હોવી જોઈએ. લોકો ફરિયાદ વ્યક્તિને નહીં પણ સંસ્થાને કરે છે. આતો માર્કેટિંગ કરવાની વાત થઈ. બીજુ પૂર્ણેશભાઈ આવી એપ્લિકેશન બનાવીને એવું કહેવા માંગતા હોય કે બહુ સારુ કામ કરીએ છીએ તો પહેલા તેમણે આ રોડ તૂટે છે કેમ એનો જવાબ આપવો જોઈએ. વરસાદ તો આખી દુનિયામાં પડે છે પણ બીજા દેશોમાં જોઈએ તો વરસાદથી આવા રોડ તુટી નથી જતાં. એપ્લિકેશનો બનાવીને લોકોને એવું બતાવવું કે તેઓ બહુ કામ કરે છે.