સુરત:ભારત સરકારના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટેના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન ગુજરાતની બે દિવસની મુલાકાતે સુરત આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
આવતાવેંત તેમણે સુરત ખાતે પાંજરાપોળની મુલાકાત લીધી હતી. સુરત પાંજરાપોળ જીવદયાનાં ક્ષેત્રે 250 વર્ષ જૂની જાહેર ટ્રસ્ટ સંસ્થા છે. તેમણે સંચાલકોને લમ્પી વાયરસ સામે કેન્દ્ર સરકાર દ્વારા લેવાઇ રહેલાં પગલાં અને પશુપાલકોએ રાખવી પડતી સાવધાની વિશે સમજ આપી હતી.
તેઓ કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટેના મંત્રી પરશોત્તમ રૂપાલા સાથે રવિવારે એટલે કે આજે સાગર પરિક્રમા 2022માં જોડાશે.દેશમાં બ્લૂ ઈકોનોમીને વેગ આપવા રૂપાલાએ માંગરોળથી સાગર પરિક્રમાનો આરંભ કર્યો છે. મુરુગન હજીરાથી એમની સાથે જોડાશે અને સુરતના ભટલાઇ ગામે મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાંથી તેઓ રૂપાલાની સાથે દમણ જશે.