Site icon Revoi.in

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ અને પેડલરોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દરિયાકાંઠા માફરતે પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ ઘુસાડતા હોવાનું સામે આવ્યાં બાદ પોલીસ અને ગૃહ વિભાગ સફાળુ જાગ્યું છે. તેમજ આવા બનાવોને અટકાવવા માટે એકશન પ્લાન બનાવ્યો છે. દરમિયાન રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ માફિયાઓ અને હેરાફેરી કરનારાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ડ્રગ્સ લાવનારાઓને પરિવારથી વર્ષો સુધી દૂર રહેવું પડશે.

તેમણે કહ્યું હતું કે, રાજ્યના યુવાનો ડ્રગ્સના રવાડે ના ચડે તે માટે પોલીસ દ્વારા રાજ્યની સરહદો ઉપર સુરક્ષા વધારે મજબુત બનાવવામાં આવી છે. તેમજ ડ્રગ્સ લાવનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ડ્રગ્સ માફિયાઓનો ગુજરાત પોલીસ મજબુતીથી સામનો કરવા તૈયાર છે. તેમજ પોલીસ એકટિવ હોવાથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસ સજ્જ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે બોર્ડરની સુરક્ષા માટે નવી-નવી યોજનાઓ અમલમાં મુકી છે. ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સુરક્ષાથી જોડાયેલો છે. તેમજ સરહદની સુરક્ષાની કેન્દ્ર સરકારની યોજનાઓનો ગુજરાત પણ લાભ લઈ રહી છે. જેથી સુરક્ષા વધારે મજબુત બનાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામખંભાળિયામાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયા બાદ મોરબીમાંથી પણ 100 કિલોથી વધારે હેરોઈન ઝડપાયું હતું. તેમજ 3 આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરતા પાકિસ્તાન, યુએઈ અને પંજાબનું કનેકશન સામે આવ્યું હતું. પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.