Site icon Revoi.in

અમદાવાદમાં ભાજપના યુવા મોરચાની તિરંગા યાત્રાનો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો પ્રારંભ

Social Share

અમદાવાદઃ  આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણીના ભાગરૂપે  આગામી તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમ યોજાશે, દેશના સૌ નાગરીકો પોત- પોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી, કાર્યાલય, ઓફિસ પર તિરંગો લહેરાવે તે અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રવિવારે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ હતું.  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તિરંગા યાત્રામાં હર્ષ સંઘવીએ જાતે બાઇક ચલાવ્યું હતું. બાઈક રેલીમાં 1000 જેટલા બાઇકચાલકો જોડાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિયમ મુજબ હેલ્મેટ પહેરી અને બાઇક ચલાવ્યું હતું, પરંતુ તેમની સાથે જોડાયેલા ભાજપ યુવા મોરચાના એક પણ કાર્યકર્તાએ હેલ્મેટ પહેર્યું નહોતું.

અમદાવાદના શાહીબાગ સરદાર પટેલ સ્મારક ગાયત્રી મંદિર પાસેથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. તિરંગા યાત્રા શાહીબાગ ડફનાળા થઈ રક્ષાશક્તિ સર્કલથી સિવિલ હોસ્પિટલ થઈ અને આગળ વધી હતી, ત્યારે સિવિલ હોસ્પિટલ પાસે તિરંગા યાત્રાના કારણે ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. જે ટ્રાફિકમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. ઘણી જહેમત બાદ ટ્રાફિકને ડાયવર્ટ કરી અને એમ્બ્યુલન્સને રસ્તો કરી આપવો પડ્યો હતો. આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર, મેયર કિરીટ પરમાર શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ,  એએમસીના ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહ, શહેર ભાજપના હોદ્દેદારો અને મ્યુનિ. કોર્પોરેશનના અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ વિનય દેસાઈએ જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષના અનુસંધાને સમગ્ર દેશ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે ઊજવી રહ્યું છે. 13થી 15 ઓગસ્ટ દરમિયાન દેશના સૌ નાગરિકો પોત-પોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી, કાર્યાલય, ઓફિસ પર તિરંગો લહેરાવે તે અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. સોમવારથી શરૂ થનારી તિરંગા યાત્રા તેમજ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા માટે સૌ નાગરિકોને પ્રેરિત કરશે. આ તિરંગા યાત્રામાં ભારત માતાની પ્રતિમાને પણ જોડવામાં આવશે અને દરેક જગ્યાએ ભારત માતાની પ્રતિમાને ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દર વર્ષે 14મી ઓગસ્ટે ઉજવાતા અખંડ ભારત સ્મૃતિ દિવસ અંતર્ગત વેજલપુર વિધાનસભાના જોધપુર વોર્ડ ખાતે આ તિરંગા યાત્રાનું સમાપન થશે. સમગ્ર શહેરમાં આશરે 350થી 400 કિલોમીટર જેટલો પ્રવાસ આ તિરંગા યાત્રા અંતર્ગત સમગ્ર મહાનગરમાં કરવામાં આવશે. દરરોજ બે વિધાનસભામાં આ તિરંગા યાત્રા યોજાશે.