પોરબંદર : કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રી પરશોતમભાઇ રૂપાલાએ પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે યોજાયેલ યોગા નિદર્શન યોગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મહનુભાવો, યોગ સાધકો તથા ખારવા સમાજના લોકો સાથે યોગાસન કરવાની સાથે યોગ તથા આયુર્વેદનુ મહત્વ સમજાવ્યું હતું.મત્સ્ય વિભાગ ભારત સરકાર, રાજ્ય સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર પોરબંદર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ માટે કાઉન્ટ ડાઉન યોગોત્સવ, યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. સ્વાસ્થ્ય, સુખ અને સુખાકારી માટે યોગ થીમ પર આયોજિત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રી પરશોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, યોગવિધા એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, પીએમ નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગ અને આયુર્વેદને વેશ્વિક ઓળખ મળી છે.
યોગોત્સવ કાર્યક્રમ બાદ મંત્રી પરશોતમભાઇ રૂપાલા, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત મહાનુભાવો પોરબંદરના હાજી અબ્દુલભાઇ સત્તાર મૌલાનાની શુભેચ્છા મુલાકાત કરી તેમની લાઇબ્રેરીનુ નિરિક્ષણ કરી ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મત્સ્ય વિભાગના સચિવ જતિન્દ્ર શ્વૈન, સેક્રેટરી જે. બાલાજી, જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા, ડી.આઇ.જી કોસ્ટ ગાર્ડ એસ.કે. વર્ગિસ, આર. કે. સીંઘ, ડો. આર. જાયાબાશકરન સહિત મહાનુભાવો, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.
21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિતે સરકારના જુદા-જુદા તમામ વિભાગો યોગાસન કાર્યક્રમમાં જોડાયા છે.