કોરોના વેક્સિનના સર્ટિફિકેટ પર પીએમ મોદીના ફોટાને લઈને મંત્રીએ આપ્યો જવાબ, વાંચો
- વેક્સિનેશન સર્ટીફીકેટ પર શા માટે પીએમનો છે ફોટો
- મોદીના ફોટા અંગે કેન્દ્ર સરકારનું નિવેદન આવ્યું સામે
દિલ્હી :કોરોનાની વેક્સિન લીધા બાદ આપવામાં આવેલા વેક્સિનેશન સર્ટીફીકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા અંગે કેન્દ્ર સરકારનું નિવેદન સામે આવ્યું છે. સરકારનું કહેવું છે કે, પીએમ મોદીનો ફોટો એક કારણસર સર્ટિફિકેટ પર મુકવામાં આવ્યો છે અને આ કારણ લોકોને જાગૃત કરવા માટે છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ભારતી પવારે કહ્યું કે, સર્ટીફીકેટ વેક્સિન લીધા પછી પણ કોરોના મહામારીને રોકવા માટે તમામ નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ ફેલાવે છે
હકીકતમાં, મંત્રીને રાજ્યસભામાં પૂછવામાં આવ્યું કે, શું કોવિડ રસીકરણ પ્રમાણપત્ર પર વડાપ્રધાનના ફોટોગ્રાફ્સ છાપવા જરૂરી અને ફરજિયાત છે? જવાબમાં મંત્રીએ કહ્યું કે, કોવિડ -19 રસીકરણ પ્રમાણપત્રોનું બંધારણ ધોરણ મુજબ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના માર્ગદર્શિકા મુજબ છે.
અગાઉ, વેક્સિન સર્ટીફીકેટ પર પીએમ મોદીના ફોટાને લઈને રાજકીય વિવાદ ઉભો થયો હતો.એવામાં, જ્યારે રાજ્યો કેન્દ્ર પાસેથી રસી ખરીદતા હતા, ત્યારે ઘણી રાજ્ય સરકારોએ રાજ્યોના મુખ્યમંત્રીઓના ફોટોગ્રાફ સાથે વેક્સિન સર્ટીફીકેટ જારી કર્યા હતા.
કેન્દ્ર સરકાર દેશભરમાં COVID-19 વેક્સિનેશનની ગતિને વેગ આપવા અને તેનો વ્યાપ વધારવા પર સંપૂર્ણ ભાર આપી રહી છે. રસીકરણનો નવો તબક્કો 21 જૂન 2021 થી શરૂ થયો. દરમિયાન, કેન્દ્ર રસીકરણ અભિયાન હેઠળ વધુ રસીઓની ઉપલબ્ધતા, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે રસી ઉપલબ્ધતાનું વધુ સારું આયોજન અને રસીને સુવ્યવસ્થિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.