ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓની વિધાનસભાના બે દિવસીય સત્રમાં કસોટી થશે, જૂના મંત્રીઓની મદદ લેવી પડશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસા સત્રનો આગામી તા. 27મીથી પ્રારંભ થઈ રહ્યો છે. આ બે દિવસીય સત્ર મુખ્યમંત્રી સહિત નવા મંત્રીઓ માટે કસોટીરૂપ બની રહેશે. કારણ કે નવા મંત્રીઓ હજુ તેમના વિભાગોથી પુરતા પરિચિત બન્યા નથી.એટલું જ નહીં સંસદીય બાબતોના પુરતા જાણકાર નથી. એટલે કોગ્રેસની આક્રમકતાને ખાળવા જુના સાથીઓની મદદની જરૂર પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની નવી ભૂપેન્દ્ર પટેલની સરકાર માટે સૌ પ્રથમ પડકાર 27 સેપ્ટમ્બરે મળી રહેલા વિધાનસભાના સત્રમાં વિપક્ષનો સામનો કરવાનો રહેશે. નવા મુખ્યમંત્રી સહિત નવા નવા મંત્રીઓ માટે વિધાનસભાની કામગીરી પડકારરૂપ બની શકે છે. ગુજરાતમાં ભાજપે એકદમ કઠોર નિર્ણય લઈને મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ નવું બનાવી દીધું છે. તેમાંય એક પણ સિનિયર મંત્રી નથી કે અનુભવી પણ નથી, આ સંજોગોમાં અગાઉની રૂપાણી સરકારે વિધાનસભાનું ચોમાસુ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી હતી અને 27 અને 28 સપ્ટેમ્બરે બે દિવસનું સત્ર બોલાવવાની વિધાનસભા અધ્યક્ષે પણ જાહેરાત કરી દીધી છે અને હવે નવી સરકારના નવા નિશાળીયા જેવા મંત્રીઓને સીધા જ વિધાનસભા સત્રનો સામનો કરવાનો પડકાર આવ્યો છે. નવા મુખ્યમંત્રી સહિતના નવા મંત્રીઓને માથે આવી પડેલી વિધાનસભા સત્રની જવાબદારીમાં ભૂતપૂર્વ બની ગયેલા અને અનુભવી એવા પૂર્વ મંત્રીઓએ સાથ આપવો પડશે. આ મામલે પક્ષ દ્વારા પણ પૂર્વ મંત્રીઓને સીધી સૂચના આપવામાં આવે તેવી શક્યતા છે.
ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં સ્થાન મળતા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપી દીધું હતું, અને હવે તા. 27-28ના રોજ વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર મળનાર છે, તેમાં કાર્યકારી અધ્યક્ષપદે કચ્છના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્યને સ્થાન મળી શકે છે, અને આ બે દિવસના સત્રમાં જ વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે. ગુજરાતમાં ભાજપે જે રીતે નો રીપીટ થીયરીથી મુખ્યમંત્રી ઉપરાંત તમામ મંત્રીઓને નવા મંત્રીમંડળમાંથી પડતા મુક્યા પછી હવે વિધાનસભામાં પ્રથમ હરોળના દ્રશ્યો જ બદલાઈ જશે અને મુખ્યમંત્રીની પાટલી પર ભુપેન્દ્ર પટેલ આવી જશે અને તેમની બાજુમાં રાજેન્દ્ર ત્રિવેદી બેસશે અને પછી કેબીનેટ મંત્રીઓ સિનિયોરીટી મુજબ બેસશે. આથી શાસક પક્ષની પાટલીનું સંપૂર્ણ દ્રશ્ય જ બદલાઈ જશે.