- વડોદરામાં રાહત અને બચાવ માટે આર્મીની વધુ ત્રણ કુમુક,
- એનડીઆરએફ ટીમોની મદદ લેવાઇ,
- મંત્રીઓએ રાહત અને બચાવની કામગીરીની કરી સમીક્ષા
વડોદરાઃ વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે વડોદરા શહેરમાં સર્જાયેલી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા તમામ મદદ કરાઇ છે. ફસાયેલા લોકો માટે એક લાખ ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ઘૂસી જવાના કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્ય સરકારના બે મંત્રી, ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા આજે અહીં દોડી આવ્યા હતા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી રાહત-બચાવની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. આપત્તિની આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા શહેરને તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી હોવાનું બન્ને મંત્રીઓએ જણાવ્યું હતું.
સમુહ માધ્યમો સાથે વાતચિતમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીનું પાણી તેની આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયું છે. દેવ ડેમ અને આજવા સરોવરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક સતત થઇ છે અને આ બન્ને જળાશયોમાંથી પાણી છોડવામાં આવ્યું છે. શહેરની સ્થિતિને ધ્યાને રાખીને વડોદરા મહાપાલિકા તંત્ર દ્વારા આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાવ્યું હતું. શહેરના કેટલાક વિસ્તારમાં દસદસ ફૂટ પાણી ભરાયેલા છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, હાલમાં રાહત અને બચાવની કામગીરીને રાજ્ય સરકાર દ્વારા અગ્રતા આપવામાં આવી રહી છે. આ માટે આર્મીની ત્રણ કુમુક અને એનડીઆરએફ તથા એસડીઆરએફની વધુ ટૂકડીઓ જરૂરી સંસધાનો દ્વારા વડોદરા મોકલવામાં આવ્યા છે. જરૂરિયાત ના હોય તેવા નજીકના જિલ્લામાંથી પણ એનડીઆરએફને બોલાવવામાં આવી છે. આ કારણે બચાવની કામગીરી વધુ ઝડપથી થઇ શકશે.
પટેલે જણાવ્યું કે, વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં છ હજારથી પણ વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે. 1200થી પણ વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા એક લાખથી પણ વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. વિપત્તિની આ ઘડીમાં લોકોનો સહયોગ પણ આવશ્યક છે.
પ્રવક્તા મંત્રીએ વધુમાં કહ્યું કે, સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડ્યો છે. પૂરની સ્થિતિમાં રાહત અને બચાવની કામગીરી સતત ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આપત્તિના સમયે હરસંભવ મદદ કરવામાં આવે છે.
આ પૂર્વે બન્ને મંત્રીઓ દ્વારા વડોદરા મહાપાલિકાના નિયંત્રણ કક્ષની મુલાકાત લેવામાં આવી હતી.
સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કેયુરભાઈ રોકડિયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મેયર પિન્કીબેન સોની, સ્થાયી સમિતિ ચેરમેન ડો. શાહ, અગ્રણી વિજય શાહ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, કલેક્ટર બિજલ શાહ, એમજીવીસીએલના એમડી તેજસ પરમાર, અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા, એસપી રોહન આનંદ સહિતના અધિકારીઓ જોડાયા હતા.
#VadodaraFlood #VadodaraRescue #FloodRelief #VadodaraDisaster #GujaratFloods #DisasterRelief #EmergencyResponse #NDRF #ARMYRescue #FoodAid #FloodManagement #ReliefEfforts #GovernmentResponse #WorldsMitriRiver #GujaratWeather #RescueOperations