મુંબઈ: ભારતની યજમાનીમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે. ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનની ટીમ પણ ભારતના પ્રવાસે આવવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ અંગે તેની સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું હતું. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પોતાની ટીમને ભારત પ્રવાસ માટે મંજૂરી આપી દીધી છે.
વાસ્તવમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ નિવેદન જાહેર કર્યું છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે હવે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ રમવા માટે ભારતના પ્રવાસે જશે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મેચ થવાની હતી જે હવે 14 ઓક્ટોબરે થશે.
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન રમત અને રાજનીતિનું મિશ્રણ કરતું નથી. આ જ કારણ છે કે સરકારે વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમને ભારતના પ્રવાસની મંજૂરી આપી છે. જો કે, વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં પાકિસ્તાન ટીમની સુરક્ષાને લઈને પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
તેણે કહ્યું કે અમે ટીમની સુરક્ષાને લઈને પણ ખૂબ ચિંતિત છીએ. અમે આ મુદ્દો ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ભારતીય સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવ્યો છે. તેણે આશા વ્યક્ત કરી છે કે પાકિસ્તાની ટીમને ભારતના પ્રવાસ પર સંપૂર્ણ સુરક્ષા મળશે.
વાસ્તવમાં સુરક્ષા એજન્સીઓએ BCCIને નવરાત્રીના તહેવારને કારણે ભારત-પાકિસ્તાનની મેચની તારીખ બદલવા માટે એલર્ટ કરી દીધું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમે ભારત સામે 15 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમવાની હતી. પરંતુ હવે આ મેચ એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે યોજાશે.
12 ઓક્ટોબરે યોજાનારી પાકિસ્તાન ટીમની અન્ય મેચમાં ફેરફાર કરવામાં આવશે. આ મેચ શ્રીલંકા સામે થવાની છે, જે હવે હૈદરાબાદમાં 12ને બદલે 10 ઓક્ટોબરે રમાશે. આ સાથે 12 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે કોલકાતામાં રમાનાર મેચ પણ એક દિવસ પહેલા એટલે કે 11 નવેમ્બરે થઈ શકે છે. કાલી પૂજાના કારણે આ મેચ બદલાઈ શકે છે. પ્રથમ 2 મેચમાં ફેરફાર કરવો નિશ્ચિત છે, જ્યારે ત્રીજી મેચ પર શંકા છે.