એનર્જી કોરિડોર માટે રેલ્વે મંત્રાલય લગભગ 94 હજાર કરોડના કોલસા પ્રોજેક્ટને મંજૂરી આપીશે
દિલ્હી : રેલવે મંત્રાલય તેના ફ્લેગશિપ એનર્જી કોરિડોર પ્રોગ્રામ હેઠળ ટૂંક સમયમાં રૂ. 94,153 કરોડના 107 કોલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી શકે છે. આ પ્રોજેક્ટ્સ રેલવે બોર્ડની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ સાથે રૂ. 2 લાખ કરોડના માસ્ટર પ્લાનનો બીજો તબક્કો પણ શરૂ થશે. આ પ્રોજેક્ટ્સ મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ભારતના કોલસા સમૃદ્ધ રાજ્યોમાં અંદાજે 5,165 કિમીના દાયરામાં ફેલાયેલો રહેશે. આ પ્રોજેક્ટ્સમાં નવી લાઈનોની સ્થાપના, બ્રોડગેજ માટે ગેજ કન્વર્ઝન અને માલગાડીઓને ટ્રાફિક વિના આવનજાવન માટેના નેટવર્કના વિદ્યુતિકરણનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, રેલવે કોલસાના પરિવહન માટે માસ્ટર પ્લાન તૈયાર કરી રહી છે. કોલસાના પુરવઠા માટે યોગ્ય આયોજનના અભાવે આ વર્ષની શરૂઆતમાં દેશભરમાં કોલસાની અછત સર્જાઈ હતી. રેલ્વે, કોલસા, પાવર અને શિપિંગ મંત્રાલયો વચ્ચે એકબીજાની જવાબદારીના મુદ્દે આંતર-વિભાગીય ચર્ચા બાદ રેલ્વે આ પહેલ કરી રહી છે. આ કોરિડોર માટેની યોજના રેલવે મંત્રાલયના નવા રચાયેલા ગતિ શક્તિ પ્રભાગની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રભાગ મેગા પરિયોજનાઓના ઝડપી અમલીકરણ અને અમલીકરણમાં સહાય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સરકારમાં પણ તેને હાઈ પ્રાયોરિટી આપીને ધ્યાન આપવામાં આવે છે.
પ્રથમ ચરણના પ્રોજેક્ટ્સમાં રૂ. 1.08 લાખ કરોડ રૂપિયાના 68 મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટસનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ હવે અમલીકરણના વિવિધ તબક્કાઓમાં છે. આ 7,000-કિમીમાં ઘણા પ્રોજેક્ટ્સ તો રેલ્વેના મિશન 3000ની ‘ક્રિટીકલ’ અને ‘સુપર-ક્રિટીકલ’ યાદીમાં સામેલ છે. આ પ્રોજેક્ટ્સને નાણાકીય વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, “એકવાર નવા પ્રોજેક્ટ્સ મંજૂર થઈ ગયા પછી, અમે FY2024 સુધીમાં એનર્જી કોરિડોરની મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પાઇપલાઇનને પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખીશું. બાકીના પ્રોજેક્ટ પૂર્ણ થવામાં થોડો સમય લાગી શકે છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા મહિને એવો સંકેત આપ્યો હતો કે કેટલીક નવી રેલ્વે લાઇન માઇક્રો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તરીકે કાર્યરત થવાની પણ શક્યતા છે.
આ બાબતે મળતી માહિતી મુજબ કોલસા પરિવહન સંકટને પહોંચી વળવા અને અધિકાંશ માંગણી દરમિયાન પાવર પ્લાન્ટને સમયસર કોલસાનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે મધ્યમ ગાળાની યોજના પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. આ અંતર્ગત નાના એનર્જી કોરિડોરને ઈસ્ટર્ન ડીએફસી સાથે જોડવામાં આવશે જે પંજાબથી પશ્ચિમ બંગાળ સુધી હશે.
આ પ્રોજેક્ટ્સ રેલ્વેને તેની નૂર આવક વધારવા અને રાષ્ટ્રીય રેલ યોજના હેઠળના લક્ષ્યાંકોને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે. મંત્રાલય 2027 સુધીમાં તેના નૂર ટ્રાફિકને બમણો કરીને 3000 મિલિયન ટન કરવા માંગે છે.
(ફોટો: ફાઈલ)