Site icon Revoi.in

બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, સંસદમાં બોલ્યા એસ.જયશંકર

Social Share

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હજુ પણ હિંસાનો સિલસિલો ચાલુ છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા પછી પણ વિરોધીઓ રસ્તા પર હિંસા ફેલાવી રહ્યાં છે. પાડોશી દેશમાં ફાટી નીકળેલી હિંસા અંગે ભારત સતત ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. દરમિયાન મંગળવારે વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભા અને રાજ્યસભામાં બાંગ્લાદેશ હિંસા અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

વિદેશ મંત્રીએ કહ્યું કે, બાંગ્લાદેશમાં જુલાઈથી હિંસા ચાલુ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ ત્યાં હિંસા ચાલુ છે. ભારત સરકાર બાંગ્લાદેશી અધિકારીઓના સંપર્કમાં છે. ત્યાં પોલીસ ઉપર પણ હુમલા થઈ રહ્યા છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે, શેખ હસીનાએ ભારત આવવાની વિનંતી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે પાડોશી દેશમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બાંગ્લાદેશની સ્થિતિ પર કહ્યું, ‘5 ઓગસ્ટે કર્ફ્યુ હોવા છતાં, ઢાકામાં દેખાવકારો એકઠા થયા હતી. અમારી સમજણ એ છે કે સુરક્ષા સંસ્થાનના નેતાઓ સાથેની બેઠક બાદ વડાપ્રધાન શેખ હસીનાએ દેખીતી રીતે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. થોડી જ વારમાં તેમણે ભારત આવવા માટે મંજૂરીની વિનંતી કરી હતી. અમને બાંગ્લાદેશ સત્તાવાળાઓ તરફથી ફ્લાઇટ ક્લિયરન્સ માટે વિનંતી પણ મળી હતી. તેઓ ગઈકાલે સાંજે દિલ્હી પહોંચી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે અમારા રાજદ્વારી મિશન દ્વારા બાંગ્લાદેશમાં ભારતીય સમુદાય સાથે નજીકના અને સતત સંપર્કમાં છીએ. એક અંદાજ મુજબ, ત્યાં 19 હજાર ભારતીય નાગરિકો રહે છે, જેમાંથી લગભગ નવ હજાર વિદ્યાર્થીઓ છે. જુલાઈમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરત ફર્યા હતા. અમે લઘુમતીઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.