Site icon Revoi.in

માઉન્ટ આબુમાં માયનસ 6 ડિગ્રી, બરફની ચાદર પથરાઈ, પ્રવાસીઓનો ધસારો

Social Share

અમદાવાદઃ ગુજરાતની સરહદ પર આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુ કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ ગયું છે.ઉત્તર-પૂર્વના બર્ફીલા પવનને કારણે માઉન્ટ આબુમાં પારો માઈનસમાં ગયો છે. ખેતરોમાં ઘાસની જેમ બરફ પથરાઈ ગયો છે, ગાડીઓ ઉપર અને માટલામાં બરફ જામી ગયો છે. હાડ થીજવતી ઠંડીને કારણે લોકો ધ્રૂજી ઊઠ્યા છે.  આવા માહોલમાં પણ પ્રવાસીઓ ઊમટી પડતાં હોટલો હાઉસફુલ થઇ ગઈ છે. માઇનસ 6 ડીગ્રીથી ગુરુશિખર પર જવું સહેલાણીઓ માટે અશક્ય બન્યું છે.

બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડા દિવસ અગાઉ વખત તાપમાન માઈનસ બેથી ત્રણ ડીગ્રીએ પહોંચ્યું હતું, જ્યારે બુધવારે તાપમાન માઇનસ 6 ડીગ્રી પહોંચતાં અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો હતો.. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂંઠવાઈ પણ રહ્યા છે. છેલ્લા એક-બે અઠવાડિયાથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં માઉન્ટ આબુનું તાપમાન માઇનસમાં નોંધાયું છે. ડિસેમ્બર મહિનાના અંતમાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં આબુની મજા કંઈક અલગ હોય છે, જેથી ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી સહેલાણીઓ આબુ આવતા હોય છે. મહત્ત્વનું છે કે કાશ્મીર-શિમલા જેવા ઠંડા પ્રદેશોમાં ફરવા જવા ગુજરાતીઓને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જોકે આબુ ગુજરાતની બોર્ડરને અડીને આવેલું હોવાથી ગુજરાતીઓને અહીં જવા માટે વધારે ખર્ચ નથી કરવો પડતો. 200-300 રૂપિયાના ભાડામાં જ આબુ પહોંચી જવાય છે. એટલે ગુજરાતના પ્રવાસીઓએ માટે ફરવા માટેનું મુખ્ય ડેસ્ટીનેશન બન્યું છે.બુધવારે વહેલી સવારે આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. પાણીના કુંડા અને સહેલાણીઓની ગાડીઓ પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. બે અઠવાડિયાંથી પડી રહેલી ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી છે. જોકે માઉન્ટ આબુમાં સહેલાણીઓ કડકડતી ઠંડીમાં પણ ઊમટી રહ્યા છે. ચારેબાજુ બરફ જોતાં સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે, જ્યારે હોટલો હાઉસફુલ જોવા મળી રહી છે. પ્રવાસીઓની કાર પર પણ બરફના થર જામી ગયા હતા.