Site icon Revoi.in

સુરતમાં ચાર રસ્તાઓ પર સિગ્નલોના મિસ મેનેજમેન્ટને લીધે ટ્રાફિક જામની સર્જાતી સમસ્યા

Social Share

સુરતઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. શહેરના ચાર રસ્તાઓ પર સિગ્નલોના મિસ મેનેજમેન્ટને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ચાર રસ્તાઓ પર બે સાઈડમાં વાહનોનો વધુ ધસારો રહેતો હોય છે. જ્યારે ચારેય રસ્તાઓ પર 40થી 50 સેકન્ડ અપાતી હોવાથી જે સાઈડ પર બિલકૂલ ટ્રાફિક ન હોય અન્ય સાઈડ પર વાહનચાલકોને વધુ સમય ઊભા રહેવું પડતું હોય છે. ઘણા સિગ્નલો પર ટ્રાફિક જામની સમસ્યાને કારણે ટ્રાફિક હેલ્પલાઈનમાં રોજની સરેરાશ 10થી વધુ ફરિયાદ મળી રહી છે.

સુરત શહેરમાં ભટાર બ્રેડ લાઇનર સર્કલ,  ઈચ્છાનાથ SVNIT કોલેજ,  પિપલોદ કારગીલ ચોક,  ઉધના સાઉન ઝોન પાસે, મોટા વરાછા સુદામા ચોક, મોટા વરાછા VIP સર્કલ, પાલ ગૅલેક્સી સર્કલ, પાલ બીફોરયુ સર્કલ સહિતના ક્રોસ રોડ પર સિગ્નલ મીસ મેનેજમેન્ટની સમસ્યા જોવા મળે છે. આ અંગે નાગરિકો દ્વારા ટ્રાફિક હેલ્પલાઈને ફરિયાદો પણ કરવામાં આવતી હોય છે. આ ફરિયાદો મોટેભાગે સવારે અને સાંજે પિકઅવર્સમાં થતી હોય છે. અમરોલી સુદામા ચોક સર્કલ પાસે રાત્રે પણ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળતી હોય છે. વાહનચાલકોએ સિગ્નલો પર વધુ સમય ઊભા રહેવાની નોબત આવી સાથે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. જેથી હેલ્પલાઈન પર વાહનચાલકોએ સિગ્નલ પર 120 સેકન્ડ ઊભા રહેવા બાબતે અને ગ્રીન સિગ્નલના ટાઇમમાં ફેરફાર કરવા જણાવ્યું હતું. ઉપરાંત થોડા થોડા અંતરે આવતા સિગ્નલો બાબતે પણ ફરિયાદ હતી. શરૂઆતમાં પોલીસના રિજિયન-3માં 3 સિગ્નલો પર ચાલકોએ વધારે સમય ઊભું રહેવું પડતું હોવાની ફરિયાદ હતી. જેથી ટ્રાફિકના એસીપી અને પાલિકાના સ્ટાફે આવા સિગ્નલો પર 20-25 મિનિટ સુધી ઊભા રહી ટાઇમિંગમાં ફેરફાર કરીને ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી. આ જ રીતે રિજિયન-1 અને 4માં પણ સિગ્નલોના ટાઇમિંગ મુદ્દે હેલ્પલાઇન પર ફરિયાદો મળી હતી. (file photo)