Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના કુલગામથી ગુમ થયેલ સેનાનો જવાન મળી આવ્યો

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામથી શનિવારે ગુમ થયેલ સેનાનો જવાન મળી આવ્યો છે. પોલીસે ગુરુવારે જણાવ્યું કે જાવેદ અહેમદ વાનીની મેડિકલ ચેકઅપ બાદ પૂછપરછ કરવામાં આવશે. પોલીસ આ મામલે દરેક એંગલથી તપાસ કરી રહી છે.

શંકા છે કે જાવેદ અહેમદ આટલા દિવસો સુધી આતંકવાદીઓની કસ્ટડીમાં હતો, તો આ સમયગાળા દરમિયાન તે કોને મળ્યો અને ક્યાં ગયો? આ ઉપરાંત તેનું અપહરણ કોણે કર્યું હતું તે અંગે પણ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે, જમ્મુ-કાશ્મીરમાં આ પ્રકારનો પહેલો કિસ્સો છે કે જ્યાં અપહરણ કરાયેલા સૈનિકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, અન્યથા આજ સુધી આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા તમામ પોલીસકર્મીઓ અથવા સૈનિકોની હત્યા કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રીમાં કામ કરતો જાવેદ અહમદ વાની ઇદની રજા પર ઘરે આવ્યો હતો અને શનિવારે સાંજે કુલગામ જિલ્લાના ચાવલ ગામમાં તેની કારમાં ખરીદી માટે ગયો હતો ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારપછી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથે તેના સંબંધીઓ પણ તેની શોધખોળ કરી રહ્યા હતા અને આખરે ગુરુવારે સાંજે પોલીસે જાવેદને  શોધી કાઢ્યો હતો.

પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન તેની અનલોક અલ્ટો કાર કુલગામ નજીક પ્રાનહાલમાંથી મળી આવી હતી. કારમાંથી જવાનની ચપ્પલ અને લોહીના ટીપા પણ મળી આવ્યા હતા. આર્મીમેનને શોધવા માટે સેના અને પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.