કાઠમંડૂઃ- આજરોજ સવારે 10 વાગ્યે આસપાસ નેપાળના કાઠમંડૂથી એક હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી જો કે ઉડાન ભરવાની માત્ર 15 મિનિટમાં જ કંટ્રોલ રુમ સાથેનો હેલિકોપ્ટરનો સંપર્ક તૂટ્યો હતો ત્યારથી સમાચાર વહી રહ્યા હતા કે હેલિકોપ્ટર ગૂમ થયું છે ત્યારે આ બાબતે નવા સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે નેપાળમાં સવારે જે હેલિકોપ્ટર ગૂમ થયું હતું તેમાં પાંચ મેક્સિકન નાગરિકો સવાર હતા આ મનંગ એરનું હેલિકોપ્ટર મંગળવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં પાંચ મેક્સીકન નાગરિકો અને હેલિકોપ્ટરમાં સવાર પાઈલટ આમ તમામ 6 લોકોના મોત થયા હતા.
જાણકારી પ્રમાણે ક્રેશ થયેલા નેપાળી હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજરોજ મંગળવારે સવારે મનંગ એરનું હેલિકોપ્ટર સંપર્ક વિહોણું થઈ ગયું હતું. બાદમાં જાણવા મળ્યું કે હેલિકોપ્ટર સોલુખુમ્બુ જિલ્લાના લિખુપિક ગ્રામીણ નગરપાલિકાના લામજુરા ખાતે ક્રેશ થયું હતું જેમાં સવાર 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.
હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાની જાણ ગ્રામીણો દ્રાર કરવામાં આવી હતી સ્થાનિક લોકોએ માહિતી આપી હતી કે હેલિકોપ્ટર લમજુરા, ભકંજે ગામમાં ચિહંદંડા ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સ્થાનિકોએ ક્રેશ થયેલા હેલિકોપ્ટરને ચિહાનદામાં શોધી કાઢ્યું હતું અને અધિકારીઓને જાણકરી હતી.