‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ : અમદાવાદ મનપા દ્વારા 45 દિવસમાં જ 20 લાખથી વધુ વૃક્ષારોપણ
અમદાવાદઃ પાણી વગર માણસ કલાક સુધી જીવી શકે છે, પરંતુ પ્રાણ વાયુ વગર માણસ મિનિટ પણ જીવી શકતો નથી. એ પ્રાણ વાયુ આપણને આપે છે કોણ? આવો કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે ખરો? એ વૃક્ષ જ આપે છે. વૃક્ષો અન્યના સુખને માટે છાંયડો આપે છે. મીઠાં ફળ પણ આપે છે. એટલે તો આપણે કહીએ છીએ, ‘જળ એ જ જીવન પરંતુ વૃક્ષ એ પ્રાણ જીવન છે.’ આ જ વાતને સાર્થક કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવા માટેનું આહવાન કર્યું હતું. આ અભિયાનના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રી અભિયાન દર વર્ષે કરવામાં આવે છે. ચાલુ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન થ્રી મિલિયન ટ્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અંગે વાત કરતા ડેપ્યૂટી મ્યુનિશિપલ કમિશનર દેવ ચૌધરીએ કહ્યું કે, આ અભિયાન અંતર્ગત ૧૦૦ દિવસમાં ૩૦ લાખ જેટલા છોડ રોપવાનું આયોજન અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં માત્ર ૪૫ દિવસમાં જ ૨૦ લાખથી વધુ છોડ અમદાવાદ શહેરમાં રોપવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૭ ઝોન અને ૪૮ વોર્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. અમારી પાસે કુલ ૧૪૭ જેટલા મોટા પ્લોટ છે, જેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બગીચા ખાતુ, મિયાવાકી પ્લાન્ટેશન એજન્સી તેમજ વૃક્ષારોપણ કરતી અનેક એનજીઓ અને સંસ્થા પણ આ અભિયાનમાં અમારી સાથે જોડાઇ છે. અંદાજે ૩૫ જેટલી એજન્સી આ અભિયાનમાં અમારી સાથે વૃક્ષરોપણ કાર્યક્રમમાં સહયોગ આપી રહી છે. એટલું જ નહીં ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’માં હવે માત્ર ૯થી ૧૦ લાખ જેટલો ટાર્ગેટ બાકી રહ્યો છે, જે અમે ટૂંક સમયમાં પૂર્ણ કરી દઇશું. આ ‘મિશન મિલિયન ટ્રીઝ’ થકી અમદાવાદ શહેરનું અંદાજિત ૬થી ૮ ટકા જેવું ગ્રીન કવર વધવાનો અંદાજ પણ છે.
ડેપ્યૂટી મ્યુનિશિપલ કમિશનરે વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ શહેરની અનેક ખાનગી સોસાયટીમાં વૃક્ષારોપણ થઇ શકે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષ રથનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરીજનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિજિટલ સેવા એપ મારફતે પણ વૃક્ષારોપણની માહિતી મોકલે છે, ત્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા તેઓની નક્કી કરેલી જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ઝોન દીઠ એક-એક પ્લોટ પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ શહેર વિસ્તારના કોઇપણ નાગરિક વૃક્ષારોપણ કરવા ઇચ્છુક હોય છે પણ તેમની પાસે જગ્યાની સગવડ ન હોય એવા લોકો અહીં આવીને વૃક્ષારોપણ કરી શકે, તેવું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. વધુમાં વધુ શહેરીજનો આ ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અભિયાનમાં જોડાય તેવી અપીલ પણ ડેપ્યૂટી મ્યુનિશિપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે.