IPL 2024નો સૌથી મોંઘો ખેલાડી રહ્યો મિચેલ સ્ટાર્ક, KKR એ રૂ. 24.75 કરોડમાં ખરીદ્યો
મુંબઈઃ આઈપીએલ 2024 માટે ઓક્શન યોજાયું હતું. જેમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ સ્ટાર્ક પર સૌથી મોટી બોલી લાગી હતી. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્ટાર્કએ પૈટ કમિંસનો રેકોડર્સ ગણતરીની મિનિટોમાં જ તોડ્યો હતો. સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ. 24.75 કરોડમાં ખરીદીને ટીમનો હિસ્સો બનાવ્યો હતો. સ્ટાર્કને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટંસ વચ્ચે લાંબી લડાઈ ચાલી હતી, જેમાં અંતે કેકેઆરની જીત થઈ હતી.
સ્ટાર્ક આંતરરાષ્ટ્રીય સાથે આઈપીએલ રમવાનો લાંબો અનુભવ ધરાવે છે. ઓસ્ટ્રેલિયાના આ ફાસ્ટ બોલરે તાજેતરમાં જ રમાયેલા વર્લ્ડકપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડકપની 10 મેચમાં 16 વિકેટ મેળવી હતી. સ્ટાર્ક આ પહેલા 2014 અને 2015માં આઈપીએલ રમ્યો હતો. ત્યારે તે રોયલ ચેલેન્જર બેંગ્લોરનો સભ્ય હતો. 2924 આઈપીએલની ઓક્શન માટે સ્ટાર્કએ પોતાની બેસ પ્રાઈઝ રૂ. 2 કરોડ રાખી હતી. બેસ પ્રાઈઝ કરતા 12 ગણી રકમ સ્ટાર્કને મળ્યાં હતા. ઓક્શનમાં કેટલીક મિનિટો પહેલા જ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિંસને રૂ. 20.50 કરોડમાં સનરાઈડર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો. 20.50 કરોડમાં વેચાયા બાદ કમિંસ ટુર્નામેન્ટનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. જો કે, ગણતરીની મિનિટોમાં જ સ્ટાર્કને કેકેઆરએ રૂ. 24.75 કરોડમાં ખરીદીને આ રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.
સ્ટાર્ક વર્ષ 2014 અને 2015માં આઈપીએલ રમ્યો હતો. બે વર્ષમાં કુલ 27 મેચમાં 34 વિકેટ મેળવી હતી. તેમજ 12 ઈનિંગમાં બેટીંગ કરીને બેટ વડે 96 રન પણ બનાવ્યાં હતા.