Site icon Revoi.in

મણિપુર બનાવના વિરોધમાં વિપક્ષ દ્વારા આપેલા આદિવાસી વિસ્તારોના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

Social Share

અમદાવાદઃ મણિપુરમાં મહિલાપર અત્યાચારના મામલે ગુજરાતના આદિવાસી વિસ્તાર ગણાતા અંબાજીથી ઉંમરગામ સુધીના વિસ્તારમાં આદિવાસી સંગઠનો દ્વારા બંધનું એલાન આપ્યું હતુ. તેને કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોએ પણ ટેકો આપ્યો હતો. રવિવારે અપાયેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ખેડબ્રહ્મા, દાંતા અને હડાદ ગામ તેમજ છોડાઉદેપુર, સહિત કેટલાક વિસ્તારોમાં લોકો બંધમાં જોડાયા હતા ત્યારે નર્મદા અને દાહોદ અને તાપી વિસ્તારમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સંગઠનો દ્વારા જિલ્લા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મણિપુરમાં આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવતા, મધ્યપ્રદેશમાં થયેલા મુત્રકાંડ અને છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓ ઉપર સૌરાષ્ટ્રમાં થયેલા અત્યાચારના વિરોધમાં રવિવારે  જિલ્લા બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.  કોંગ્રેસ દ્વારા ગુજરાતના તમામ આદિવાસી ગામ બંધ રાખવા માટે અપીલ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના દાંતા મતવિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પોતાનો સખત વિરોધ દર્શાવ્યો હતો. સાથે સાથે આદિવાસી લોકોને સ્વૈચ્છિક એક દિવસ માટે બજાર બંધ પાળવા આહવાન કર્યું હતું. જેને પગલે દાંતા તાલુકામાં આવેલું હડાદ ગામ સવારથી જ સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું. હડાદ ગામના લોકોએ બંધ પાળી મણિપુરની ઘટનાનો વિરોધ કર્યો છે.

છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે બજારો ખુલ્લા રહેતા આદિવાસી આગેવાનો દ્વારા બંધ કરાવવા જતાં સંગ્રામસિંહ રાઠવા અને અર્જુન રાઠવા સહિતના આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી. છોટાઉદેપુરના બજારો અડધા ખુલ્લા જોવા મળ્યા હતા. જ્યારે કવાંટના બજાર પણ અડધા ખુલ્લા અને અડધા બંધ જોવા મળ્યા હતા. બોડેલીમાં વહેલી સવારથી જ આદિવાસી આગેવાનોએ અલીપુરા ભેગા થઈને બજારો બંધ કરાવતા બોડેલીના બજાર સંપૂર્ણ બંધ થઈ ગયા હતા. જ્યારે પાવી જેતપુરના બજારો સવારથી જ બંધ રહ્યા હતા. સંખેડાના બજારો રાબેતા મુજબ જ ખુલ્લા જોવા મળ્યા હતા. એટલે જિલ્લા બંધના એલાનનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.