- હરિયાણાના ૩ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ અને એસએમએસ સેવા બંધ
- કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ અરોરા દ્વારા આ આદેશ કરાયો જારી
- અફવાઓ અને ખોટી માહિતીને ફેલાવથી રોકવા માટે સેવાઓ બંધ
દિલ્હી સાથે જોડાયેલા હરિયાણાના જિલ્લાઓમાં મોબાઇલ સેવા બંધ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ અરોરાએ મંગળવારે મોડી સાંજે આ આદેશ જારી કર્યો છે. આ અંતર્ગત હરિયાણાના સોનીપત, પલવલ અને ઝજ્જરમાં ઇન્ટરનેટ અને એસએમએસ સેવા બંધ રહેશે. ફક્ત વોઇસ કોલ જ એક્ટિવ રહેશે. આ પ્રતિબંધ બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધી લાગુ રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કિસાન આંદોલન અને ટ્રેક્ટર રેલીને લઈને અફવાઓ અને ખોટી માહિતીને ફેલાવથી રોકવા માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
ખરેખર 26 જાન્યુઆરી મંગળવારે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આંદોલનકારી ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી અને પરેડ કાઢી હતી. આ દરમિયાન લાલ કિલ્લા સહિત અનેક જગ્યાએ ભીષણ હિંસા અને અશાંતિ થઇ. સ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી હતી. સાંજ સુધી ચાલેલી આ સભામાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે, આ હેઠળ ગૃહ સચિવ રાજીવ અરોરાએ આ આદેશ આપ્યો છે.
કિસાન કેન્દ્ર દ્વારા લાગુ કરાયેલા કૃષિ કાયદા વિરુદ્ધ છે. તેઓ આનો સખત વિરોધ કરી રહ્યા છે. 26 નવેમ્બરથી પંજાબ-હરિયાણા સહિતના અન્ય ઘણા રાજ્યોના ખેડુતો દિલ્હી બોર્ડર પર હડતાળ કરી રહ્યા છે. તમામ મુશ્કેલીઓ હોવા છતાં,તેઓ અહીં બેઠા છે. કેન્દ્ર સરકાર અને ખેડુતોના પ્રતિનિધિઓ વચ્ચે અગિયાર રાઉન્ડની વાતચીત થઈ છે, પરંતુ આ મુદ્દાનો હજી સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યો નથી. ખેડુતો સતત ત્રણેય કાયદા પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે.
-દેવાંશી