નવી દિલ્હીઃ દેશનો ટેલિકોમ ઉદ્યોગ હવે રોકાણ અને રોજગાર જનરેટર બની ગયો છે. આ ઉદ્યોગ ટેલિકોમ સાધનોના અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર તરીકે પણ ઉભરી આવ્યો છે. આ જ કારણ છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ $10 બિલિયનને પાર થવાની ધારણા છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મેન્યુફેક્ચરિંગ સંબંધિત તમામ સાધનો ભારતમાં છે. ઈલેક્ટ્રોનિક અને ટેલિકોમ્યુનિકેશન મેન્યુફેક્ચરિંગ આગામી વર્ષોમાં ઝડપી વૃદ્ધિનું સાક્ષી બનશે. તેમણે કહ્યું કે, 10 વર્ષ પહેલા મોબાઈલ ફોન બનાવવા માટે જરૂરી મોટાભાગના ઘટકોની આયાત કરવામાં આવતી હતી. હવે 99 ટકા સાધનો સ્વદેશી છે. આ એક મોટો ફેરફાર છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર યોજના હેઠળ, સરકારે ભારતીય ઉત્પાદકોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા, રોકાણ આકર્ષવા, નિકાસ વધારવા, વૈશ્વિક પુરવઠા શૃંખલામાં ભારતનો સમાવેશ કરવા અને આયાત નિર્ભરતા ઘટાડવા માટે વિવિધ ક્ષેત્રોમાં PLI યોજના શરૂ કરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 31મી માર્ચની નિર્ધારિત સમયમર્યાદા પહેલા 5G સેવાઓના પ્રથમ તબક્કાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. આજે 387 જિલ્લામાં 5G સેવા ઉપલબ્ધ છે. વૈષ્ણવે કહ્યું, “અમારું આગામી મુખ્ય લક્ષ્ય ચોમાસા સત્રમાં ટેલિકોમ બિલ પસાર કરવાનું રહેશે.” આનાથી સ્પેક્ટ્રમ, લાઇસન્સિંગ અને રેગ્યુલેશનમાં મોટા સુધારાનો માર્ગ મોકળો થશે.
તેમણે વધુમાં કહ્યું કે, iPhone નિર્માતા એપલે છેલ્લા દોઢ વર્ષમાં એક લાખ નવી નોકરીઓ આપી છે. મોબાઈલ ઉપકરણ ઉત્પાદકો અને તેમના સપ્લાયરોએ સાત વર્ષમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ 20 લાખ નોકરીઓનું સર્જન કર્યું છે. દરમિયાન રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સરકાર ભારતને ગ્લોબલ વ્હીકલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. સ્થાનિક ઓટોમોબાઈલ ઉદ્યોગ નજીકના ભવિષ્યમાં રૂ. 15 લાખ કરોડનો થશે. ઉદ્યોગ હાલમાં જીડીપીમાં 7.1 ટકાનું યોગદાન આપે છે. આ ક્ષેત્ર 2025 સુધીમાં પાંચ કરોડ નોકરીઓ પ્રદાન કરશે. ગડકરીએ જણાવ્યું હતું કે, એવો અંદાજ છે કે સરકારને વાહનોની માંગમાંથી રૂ. 40,000 કરોડની વધારાની GST આવક મળશે જે સ્ક્રેપ પોલિસી દ્વારા પેદા થશે.