વડોદરા સેન્ટ્રેલ જેલમાંથી મોબાઈલ ફોન મળ્યો, 3 કેદીઓ ફોનનો કરતા હતા ઉપયોગ
- જેલ સત્તાવાળાઓએ ત્રણેય કેદીઓ સામે નોંધાવી ફરિયાદ
- પોલીસે મોબાઈલ ફોન જપ્ત કરીને FSLમાં મોકલ્યો
- કેદીઓએ કોની સાથે વાત કરી તેની પોલીસે તપાસ શરુ કરી
અમદાવાદઃ રાજ્યની જેલમાંથી અવાર-નવાર મોબાઈપ ફોન સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની ઘટનાઓ સામે આવે છે. દરમિયાન વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્ર દોડતુ થઈ ગયું છે. જેમાં 3 કેદીઓ મોબાઈલ ફોન વાપરતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની સેન્ટ્રલ જેલમાં જડતી સ્કવોડ દ્વારા સર્ચ કરવામાં આવ્યો હતો. દરમિયાન યાર્ડ નંબર 3ની અંદર એક ખોલી પાસેથી મોબાઈલ ફોન મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા, ખોલી નંબર 16માં શૌચાલય પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેથી પોલીસે મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. તેમજ તપાસ કરતા આ મોબાઈલ ફોનનો ઉપયોગ 3 કેદીઓ કરતા હોવાનું સામે આવ્યું હતું. કાચા કામનો કેદી ઈસ્માઈલ ઉર્ફે પિન્ટુ ઈબ્રાહીમ ખોખર, રિયાઝ ઈકબાલ જુનાચ અને સલીમ ઉર્ફે લંગડો ઈમ્તિયાઝ શેખ આ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જેથી જેલ સત્તાવાળાઓએ ત્રણેય કેદીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. તેમજ જેલમાંથી મળી આવેલો મોબાઈલ ફોન તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યો હતો. જેમાંથી કેદીઓએ કોની કોની સાથે વાત કરી છે તે અંગે પોલીસે તપાસ આરંભી છે.