અમદાવાદ: શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનના સ્કુલ બોર્ડ સંચાલિત પ્રાથમિક શાળાઓને હવે આધૂનિક બનાવવામાં આવી રહી છે. જેમાં શાળાઓમાં રંગરોગાન, શાળાના મેદાનમાં સ્પોર્ટસ એક્ટિવિટી માટેના સાધનો, શાળાઓના બાળકો માટે કોમ્પ્યુટર, લેબ અને ખાનગી શાળાઓને ટક્કર મારે એવી શાળાઓ બનાવવામાં આવી રહી છે. તેથી હવે સ્કુલ બોર્ડની શાળાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે શાળાના વિદ્યાર્થીઓને મોબાઈલ ફોન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિની શાળાઓના બાળકોને આગામી શૈક્ષણિક સત્રથી મોબાઈલ ફોન અપાશે. AMC સંચાલિત શહેરની 443 સ્કૂલમાંથી કેટલાક જરૂરિયાતમંદ બાળકોને ચિન્હિત કરી બાળકોને મોબાઈલ ફોન આપવામાં આવશે. AMC સંચાલિત સ્કૂલના 5400 જરૂરિયાતમંદ બાળકોને પ્રારંભિક યોજના માટે ચિન્હિત કરાયા છે. જેમાં જે બાળકોએ કોરોના કાળમાં પોતાના માતા – પિતાની છત્રછાયા ગુમાવી હોય એવા બાળકોને પ્રારંભિક ધોરણે યોજના અંતર્ગત લાભાર્થી તરીકે પ્રથમ સમાવેશ કરાશે. મોબાઈલ વિતરણ માટે મંજૂરીની પ્રક્રિયા આખરી તબક્કામાં પહોંચી ગઈ હોવાની માહિતી મળી છે. સ્કૂલ બોર્ડ દ્વારા ગરીબ અને શિક્ષણથી વંચિત રહી જતા બાળકોના અભ્યાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી મોબાઈલ ફોનું વિતરણનું આયોજન કરાઈ રહ્યું છે. કોરોનાકાળ દરમિયાન અનેક ગરીબ વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહ્યા હતા. એવામાં AMC સ્કૂલ બોર્ડ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ના રહે એ માટે અનોખી પહેલ શરૂ કરાઈ હતી. જેમાં કોરોનામાં ઓનલાઈન શિક્ષણ મજબૂરી બની હતી, એવામાં મોબાઈલ, ઈન્ટરનેટ જેવી સુવિધા ના હોય એવા વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં ખાસ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. ઘરમાં એકથી વધુ બાળક હોય, એક જ મોબાઈલ હોય, એ પણ પિતા સાથે લઈ જતા હોય ત્યારે અનેક વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી જતા હોય છે. ત્યારે આવા બાળકોનું શિક્ષણ ના બગડે તેની કાળજી લેવાની પહેલ કરાઈ હતી અને જુદા જુદા વિસ્તારોમાં ગરીબ બાળકોને અભ્યાસ આપવાની પહેલ કરવામાં આવી હતી.