Site icon Revoi.in

ભારતમાં મોબાઈલ સેવાઓ વિશ્વના મોટા દેશોની સરખામણીમાં સસ્તીઃ ટેલિકોમ્યુનિકેશન વિભાગ

Social Share

નવી દિલ્હીઃ ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ દ્વારા મોબાઈલ ટેરિફ વધારવાના મુદ્દાએ રાજકીય રંગ જામ્યો છે. દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસની આકરી ટીકા બાદ સરકારે હવે આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. સરકારનું કહેવું છે કે તે મોબાઈલ ટેરિફના દરો નક્કી કરવામાં કોઈ દખલ કરતી નથી. ઉપરાંત, સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં મોબાઈલ સેવાઓ વિશ્વના મોટા દેશોની સરખામણીમાં હજુ પણ સસ્તી છે.

સંચાર મંત્રાલયના ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં, ટેલિકોમ્યુનિકેશન વિભાગે કહ્યું કે હાલમાં 1 સરકારી કંપની અને 3 ખાનગી કંપનીઓ સ્થાનિક બજારમાં કામ કરી રહી છે. મોબાઈલ સેવાઓનું બજાર હવે માંગ અને પુરવઠા અનુસાર કામ કરે છે. મોબાઈલ કંપનીઓ રેગ્યુલેટર ટ્રાઈ દ્વારા નિર્ધારિત ફ્રેમવર્ક મુજબ દર નક્કી કરે છે. સરકાર મુક્ત બજારના નિર્ણયોમાં દખલ કરતી નથી.

નિવેદન અનુસાર, TRAI ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા દર વધારા પર નજર રાખે છે અને જુએ છે કે આ ફેરફારો નિર્ધારિત મર્યાદામાં રહે. દૂરસંચાર વિભાગે એમ પણ ઉમેર્યું હતું કે, છેલ્લા બે વર્ષથી દેશમાં મોબાઈલ ટેરિફમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે તે સમયગાળા દરમિયાન, ટેલિકોમ સેવા પ્રદાતાઓએ દેશમાં 5G સેવાઓ શરૂ કરવા માટે ભારે રોકાણ કર્યું હતું. આનું પરિણામ એ છે કે આજે દેશમાં મોબાઈલની સરેરાશ સ્પીડ વધીને 100 Mbpsના સ્તરે પહોંચી ગઈ છે અને મોબાઈલ સ્પીડના સંદર્ભમાં દેશની આંતરરાષ્ટ્રીય રેન્કિંગ ઓક્ટોબર 2022માં 111થી વધીને 15 પર પહોંચી ગઈ છે.

ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ આ મહિનાથી તેમના પ્લાન મોંઘા કરી દીધા છે. ટેલિકોમ કંપનીઓએ મોબાઈલ ટેરિફમાં 11 થી 25 ટકાનો વધારો કર્યો છે. સૌથી પહેલા રિલાયન્સ જિયોએ ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. જે બાદ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ પણ ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. ટેરિફમાં વધારાને કારણે મોબાઈલ ગ્રાહકો પર આર્થિક બોજ વધવાની ધારણા છે. વિરોધ પક્ષો આને મુદ્દો બનાવી રહ્યા છે.