વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં અનગઢ-દરજીપુરા રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. રાતના સમયે મસાણી માતાજીના મંદિરે પગપાળા દર્શને જતાં 25 વર્ષિય યુવાનને એક હાઈડ્રો ક્રેનએ અડફેટે લેતા યુવાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે આજુબાજુના ગ્રામજનો દોડી આવ્યા હતા. અને રોષે ભરાયેલા ટોળાંએ ત્રણ જેટલાં વાહનોને આગ ચાંપી દીધી હતી. આ મામલે હાઈડ્રોક્રેનના ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ 10થી 15 લોકોના ટોળા સામે રાયોટિંગની ફરિયાદ નોંધાઇ છે.
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ગત મોડી રાત્રે 25 વર્ષીય અજીતસિંહ નટવરભાઈ ગોહિલ સહિત કેટલાક લોકો અનગઢ ગામ પાસે આવેલા મસાણી માતાના મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા. આ સમયે હાઇડ્રોક્રેન જઈ રહી હતી. હાઇડ્રોક્રેનના ચાલકે યુવકને અડફેટે લીધો હતો. જેમાં અજીતસિંહ ગોહિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જેને પગલે આસપાસના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. યુવાનનું મોત થતાં આસપાસના ગામોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને રેલવે ગરનાળામાં કામ કરી રહેલા ખાનગી કંપનીના વાહનોને આગ ચાંપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ બનાવની જાણ નંદેસરી પોલીસને થતા પોલીસ દોડી ગઇ હતી અને ઉશ્કેરાયેલા ટોળાને વિખેરી કાબુ મેળવ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ ખાનગી કંપનીના ત્રણ જેટલા વાહનોને આગને હવાલે કર્યા હતા. આ બનાવ અંગે નંદેશરી પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. નંદેશરી પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નંદેસરી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે. પંડ્યાએ જણાવ્યું હતું કે, રાત્રે એક યુવકનું અકસ્માતમાં મોત થયું હતું. ત્યાર બાદ રાયોટિંગની ઘટના બની હતી. આ મામલે સામસામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી કરી છે.