અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં 28 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થવાની છે, જેમાં ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓની આજે મોક ટેસ્ટ યોજાઈ હતી. જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો હોય તેમના માટે મોક ટેસ્ટ આપવી ફરજિયાત છે. ઓનલાઈન પરીક્ષા બાદ યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ ફલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. હવે યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાના કાર્યક્રમોની પણ જાહેરાત કરાવામાં આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં 90 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે.પરીક્ષા માટે અગાઉથી જ ઓનલાઈન અને ઓફલાઈનનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. 39 હજાર વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો હતો. જ્યારે 51 હજાર વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો હતો. 28 માર્ચથી ઓનલાઈન પરીક્ષા લેવાશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ ફેકલ્ટીઓની ઓનલાઈન પરીક્ષા અગાઉ આજે ટ્રાયલ માટે મોક ટેસ્ટ યોજાઈ હતી. જેથી ઓનલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ના પડે. ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓની આજે મોક ટેસ્ટ લેવામાં આવી હતી. જે માટે આઈડી પાસવર્ડ આપ્યો હતો, જેનાથી લોગ ઇન કરીને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી શકે. ઓનલાઈન પરીક્ષામાં ઓબજેક્ટિવ પ્રશ્નો અને પેપર ક્યા પ્રકારનું હશે. તેની સમજણ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. પરીક્ષા વિભાગે ઓનલાઈન પરીક્ષાર્થીઓ માટે સમય મર્યાદા અને નિયમો પણ નક્કી કર્યા છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ આ વખતે ઓફલાઈનનો વિકલ્પ વધુ પસંદ કર્યો છે. જ્યારે ઓનલાઈન પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા છે.