Site icon Revoi.in

અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ મેધરાજાએ ધબધબાટી બોલાવી છે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં પણ સાંજના સમયે વરસાદ શરૂ થયો હતો અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં ભારે વરસાદને પગલે સીંધુ ભવન રોડ, પંચવટી પાંચ રસ્તા અને સીએન વિદ્યાલય રોડ સહિતના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયાંનું જાણવા મળે છે.

અમદાવાદ શહેરમાં આજે સાંજના નારણપુરા, થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા, નરોડા, મણિનગર સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદના પગલે શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ શહેર ઉપર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ધોળકામાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ગુટણસમા પાણી ભરાયાં હતા. દરમિયાન હવામાન વિભાગે અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે  24 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડશે. જ્યારે કચ્છમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. જ્યારે તા. 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આશા છે.  દરમિયાન જૂનાગઢ શહેરમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જૂનાગઢ શહેરમાં ભારે વરસાદને પગલે મનપાની પ્રિ-મોનસુન પ્લાનિગની પોલ ખુલી ગઈ છે. બીજી તરફ તંત્રની કામગીરી સામે પણ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.