- વધારે આધુનિક અમદાવાદ
- હવે તંત્રનો નવો પ્લાન
- એક મેસેજથી શરૂ થશે સ્ટ્રીટલાઈટ
અમદાવાદ :ગુજરાત રાજ્યનું ઈકોનોમિક હબ દિવસને દિવસે આસમાનની સફળતાઓને આંબી રહ્યું છે. અમદાવાદમાં મોટા ભાગની તમામ પ્રકારની સુવિધાઓ લોકોને મળી રહે છે ત્યારે હવે તંત્ર દ્વારા શહેરને વધારે સુંદર બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.
વાત એવી છે કે અમદાવાદ શહેરની સ્ટ્રીટ લાઈટો પણ સ્માર્ટ બની જશે. સ્માર્ટ સ્ટ્રીટલાઈટ પ્રોજેકટ હેઠળ શહેરમાં 25 હજાર અને બીઆરટીએસ કોરિડોરમાં 6 હજાર સ્ટ્રીટલાઈટને અપગ્રેડ કરવામાં આવી છે. સ્ટ્રીટલાઈટને ચાલુ કરવા, બંધ કરવા અને ધીમી કરવા માટે કંટ્રોલર લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં જનતા પણ કોઈ બંધ રહેલી સ્ટ્રીટ લાઈટની ફરિયાદ સરળતાથી કરી શકશે.
સ્માર્ટ સિટી અમદાવાદમાં ઘણીવાર સ્ટ્રિટ લાઈટ બંધ રહેવાની અને રાત્રીના સમયે ઘણીવાર રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો મળતી હોય છે, પરંતુ વિચારો કે જો બંધ સ્ટ્રીટ લાઈટ તમારા એક મેસેજ માત્રથી ચાલુ થઈ જાય તો.. હા હવે એ દિવસો દૂર નથી, જ્યારે અમદાવાદીઓ મોબાઈલ એપ્લિકેશન અને વેબપેજ પર જઈને સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની ફરિયાદ કરશે અને થોડીવારમાં જ લાઈટ ચાલુ કરવા માટે કાર્યવાહી હાથ ધરાશે.