અમદાવાદઃ શહેરના પોલીસ કમિશનરની કચેરીનું બિલ્ડિંગ વર્ષો જૂનું છે. હવે રૂપિયા 100 કરોડના ખર્ચે પોલીસ કમિશનરની કચેરીનું અદ્યત્તન બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર કચેરીમાં વિશ્વકક્ષાનો પોલીસ કન્ટ્રોલ રૂમ અને કચેરી તમામ સુવિધાઓથી સજ્જ બનાવાશે. આ અતિઆધુનિક બિલ્ડિંગ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવશે, જેમાં ટોપ ફ્લોર પોલીસ કમિશનર માટે અલાયદો રાખવામાં આવશે. અહીં એકસાથે 3 હજારથી વધુ કાર પાર્કિંગ થઈ શકશે. એ ઉપરાંત વર્લ્ડ ક્લાસ કંટ્રોલ રૂમ તૈયાર કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલા પરેડ ગ્રાઉન્ડમાં આગામી ત્રણ મહિનામાં પોલીસ કમિશનર કચેરીના નવા મકાન બનાવવાના કાર્યનો પ્રારંભ કરાયો છે. પોલીસ કમિશનર કચેરીનું નવું બિલ્ડિંગ વિશ્વસ્તરના આર્કિટેક્ટોની ટીમ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યુ છે. હાલ આ પોલીસ કમિશનર કચેરી બનાવવા પાછળ 100 કરોડનો અંદાજિત ખર્ચ આંકવામાં આવ્યો છે. પોલીસ કમિશનર કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ સામાન્ય લોકોની કામગીરી માટે હશે, જેમાં પાસપોર્ટ મંજૂરી મેળવવા માટેની કચેરી તેમજ બીજી પ્રજા ઉપયોગી કચેરીઓ શરૂ કરાશે. આ સમગ્ર પોલીસ કમિશનર કચેરીમાં કુલ 5 કોન્ફરન્સ રૂમ હશે. તેમજ 5 ઓડિટોરિયમ, જેસીપી હેડક્વાર્ટરની કચેરી, એડીસીપી, ટ્રાફિક જેસીપી, સેક્ટર 1 અને સેક્ટર 2ની કચેરીની નવી બનનારા બિલ્ડિંગમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. ટોપ ફ્લોર પોલીસ કમિશનર માટે અલાયદો રાખવામાં આવ્યો છે. આ પોલીસ કમિશનર કચેરીમાં અમદાવાદનો સૌથી મોટો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ તેમજ સુરક્ષા સેતુ અને ઇ-ગુજકોપ માટેની અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આ સમગ્ર બિલ્ડિંગનું કામ આગામી ત્રણ મહિનામાં શરૂ થવાનું છે, જેમાં 3000 કારનું બેઝમેન્ટ પાર્કિંગ પણ હશે, જેમાં લેન્ડસ્કેપ ગાર્ડન, સિક્યોરિટી સિસ્ટમ, વધારાનો કંટ્રોલ રૂમ, સીસીટીવીની સુવિધા હશે. અહીં મુકાનારા સીસીટીવી કેમેરા ઉત્તમ દરજ્જાના હશે, જેનાથી આખું બિલ્ડિંગ કવર થશે. આ બિલ્ડિંગને ગ્રીન ગોલ્ડન રેટિંગ આપવામાં આવશે, જેમાં ટેરેસ ગાર્ડન પણ સામેલ છે. આ હાઇરાઇસ બિલ્ડિંગમાં ઓર્ગેઇન ગેસ ગ્લાસ રાખવામાં આવશે. આખા બિલ્ડિંગમાં નેચરલ સ્ટોન નાખવામાં આવશે તેમજ પાવર બેકઅપની વ્યવસ્થા કરાશે. બિલ્ડિંગના ટોપ પર સોલર પેનલ નાખવામાં આવશે.