અમદાવાદઃ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે રૂ. 121 કરોડથી વધુના ખર્ચે જિલ્લા કક્ષાની સુવિધાયુક્ત આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. જેનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે. આગામી વર્ષ 2024-25 સુધીમાં આ હોસ્પિટલ કાર્યરત કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે, તેમ આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં ભિલોડાના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રીએ પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, ભિલોડાની સરકારી હોસ્પિટલ ખાતે જનરલ મેડિસિન, સાઇકિયાટ્રિક, જનરલ સર્જરી, ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી એમ 15 જેટલી ક્લિનિકલ સેવાઓ, 6 જેટલી વિવિધ ડાયગ્નોસ્ટિક સેવાઓ તેમજ 12 જેટલી ઓક્ઝિલરી સેવાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં તા. 31 જુલાઈ 2023ની સ્થિતિએ છેલ્લા ત્રણ વર્ષમાં 1,25,640 બહારના દર્દીઓ, 44,890 અંદરના દર્દીઓ, 780 જેટલી પ્રસુતિ તેમજ 2,36,340 વિવિધ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 996 મેજર તેમજ 17,571 માઇનોર ઓપરેશન કરવામાં આવ્યા છે.
હિંમતનગરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા દ્વારા પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આદિજાતિ વિસ્તાર માટે નક્કી કરેલા માપદંડ મુજબ અરવલ્લી જિલ્લામાં 10ની સામે 11 સામૂહિક આરોગ્ય કેન્દ્રો જ્યારે 36ની સામે 37 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે જે નાગરિકોના હિતમાં રાજ્ય સરકારની આરોગ્યની પ્રાથમિકતા દર્શાવે છે.