નવી દિલ્હીઃ દેશમાં1 જુલાઈથી નવો લેબર કોડ લાગુ કરવાની દિશામાં કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર વિચારણા કરી રહી છે. જો આવું થાય, તો 1 જુલાઈથી કામના કલાકો 8-9 નહીં પરંતુ 12 કલાક થઈ શકે છે. એટલું જ નહીં અઠવાડિયામાં 3 દિવસની રજા પણ મળશે. આ યોજના સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, મોદી સરકાર તેને જુલાઈમાં જ લાગુ કરવાની યોજના ધરાવે છે.
નવા ડ્રાફ્ટ નિયમ અનુસાર, કંપનીઓને દિવસમાં કામના કલાકો વધારીને 12 કલાક કરવાનો અધિકાર હશે, જો કે આ સ્થિતિમાં તેમણે કર્મચારીને અઠવાડિયામાં 3 દિવસની રજા પણ આપવી પડશે. કર્મચારીએ અઠવાડિયામાં ચાર દિવસ 12 કલાક લેખે 48 કલાક કામ કરવું પડશે.
નવો લેબર કોડ આવ્યા બાદ કર્મચારીઓના પગાર માળખામાં પણ ફેરફાર થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. તેમનો મૂળ પગાર કુલ પગારના 50 ટકા કે તેથી વધુ હોવો જોઈએ. આ અંતર્ગત બેઝિક સેલેરી વધારવા પર પીએફ અને ગ્રેચ્યુટીની રકમ વધુ થઈ જશે. પીએફ નાણા મૂળભૂત પગાર પર આધારિત છે અને પીએફમાં વધારો થવાથી, દર મહિને હાથમાં આવતી વાસ્તવિક રકમમાં ઘટાડો થવાની શકયતા છે બીજી તરફ કર્મચારીના પીએફ ખાતામાં વધુ રકમ આવશે.
નવો લેબર કોડ આવ્યા પછી, કર્મચારી પાસે નિવૃત્તિ માટે વધુ પૈસા બચશે કારણ કે તેના પીએફ અને ગ્રેચ્યુટી તરફ જતા પૈસા વધશે. જો કે, તેનાથી કંપનીઓના ખર્ચમાં પણ ફેરફાર થશે કારણ કે તેઓ કર્મચારીઓના પીએફના આધારે વધુ યોગદાન આપશે અને તેમનો હિસ્સો પણ વધશે.
(Photo-File)