મોદી સરકારે આપી મોટી રાહત- ખેડૂતોને 3 લાખ સુધીની લોન પર 1.5% ની છૂટ
દિલ્હી:કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,સરકાર ખેડૂતોના સશક્તિકરણ માટે સતત કામ કરી રહી છે.બેઠકમાં રૂ.3 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 1.5%ની છૂટને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,આ યોજના હેઠળ 2022-23 થી 2024-25 વચ્ચે 34,856 કરોડ રૂપિયાની વધારાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.
સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રે પૂરતું ધિરાણ મળી શકશે. ખેડૂતોને લોન માફી આપવાની સાથે સરકારે ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ ફંડમાં વધારો કરવાની પણ મંજૂરી આપી છે. સરકારના આ પગલાથી કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પહેલા જ કહ્યું હતું કે,સરકાર કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ધ્યાન આપી રહી છે.તેનાથી ગામડાઓમાં શિક્ષિત યુવાનો માટે રોજગારીની તકો ઉભી થશે.
તોમરે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) ખાતે પ્રવચનોની શ્રેણીના સમાપન કાર્યક્રમમાં કહ્યું હતું કે,આનાથી માત્ર રોજગારીની તકો જ નહીં પરંતુ ખેડૂતોને ફાયદો થશે અને ટકાઉ ઉકેલો શોધીને ખેડૂતોને સમૃદ્ધ બનાવશે અને કૃષિને આધુનિક બનાવી શકશે.તોમરે કહ્યું કે,કેન્દ્રએ કૃષિ ક્ષેત્રને સંપૂર્ણ ટેકો આપવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે અને આ કાર્ય રાજ્ય સરકારોના સહયોગથી આગળ વધી રહ્યું છે.