દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડાએ ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા નવ વર્ષમાં તમામ ક્ષેત્રોમાં પ્રશંસનીય કાર્ય કર્યું છે અને ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે જે 2014માં દસમા સ્થાને હતી.
નડ્ડાએ અહીં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં ભારતની પ્રગતિનો શ્રેય મોદી સરકારની નીતિઓ અને સાહસિક નિર્ણયોને જાય છે. પછી તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય કે અર્થતંત્ર હોય. આપણા ગતિશીલ નેતા મોદીજીની સરકારના સાહસિક નિર્ણયો અને નીતિના કારણે ઘણી પ્રગતિ થઈ છે.
નડ્ડાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રના પ્રાદેશિક સલાહકાર મનીષા શ્રીધર દ્વારા ‘પબ્લિક હેલ્થ, ઈનોવેશન્સ થ્રુ અ મેઝર ઓફ ઈન્ટરનેશનલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ’ પુસ્તકનું વિમોચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તમામ કેન્દ્રીય પ્રધાનો મોદી સરકારની છેલ્લા નવ વર્ષની ઉપલબ્ધિઓ અંગે પ્રેઝન્ટેશન કરી રહ્યા છે. આ પહેલા ભાજપે 30 મેથી 30 જૂન સુધી વિશેષ જનસંપર્ક અભિયાન પણ ચલાવ્યું હતું. આ અંતર્ગત ભાજપ જનતાનો સંપર્ક કરવા અનેક પ્રકારના કાર્યક્રમો પણ કર્યા હતા. કારણકે આગામી 2024 ની લોકસભાની ચુંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
તાજેતરમાં જ ભાજપે સંગઠનોમાં મોટા ફેરફારો કર્યા છે.આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીની તેલંગાણાના બીજેપી પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. NTRની પુત્રી અને TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના સંબંધી ડી. પુરંદેશ્વરીને આંધ્ર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આ સાથે પૂર્વ સીએમ બાબુલાલ મરાંડીને ઝારખંડ અને સુનીલ જાખરને પંજાબના પાર્ટી પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઇટાલા રાજેન્દ્રને તેલંગાણા ભાજપની ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ તરીકે અને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કિરણ કુમાર રેડ્ડીને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.