Site icon Revoi.in

મોદી સરકારે ‘Mera Ration’ મોબાઇલ એપ લોન્ચ કરી, રેશનકાર્ડ ધારકોને મળશે આ સુવિધા

Social Share

દિલ્હીઃ  કેન્દ્ર સરકારે વન નેશન વન રેશનકાર્ડ લાભાર્થીઓ માટે ‘ Mera Ration’ મોબાઇલ એપ લોન્ચ કરી છે. વન નેશન વન રેશન કાર્ડ સિસ્ટમએ એક મહત્વપૂર્ણ નાગરિક કેન્દ્રિત સુધાર છે. હાલમાં એપ અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં અથવા મહિનામાં એપ્લિકેશનમાં વધુ ફંક્શન જોડવામાં આવશે. એપ ટૂંક સમયમાં 14 ભાષાઓમાં ઉપલબ્ધ થશે. Mera Ration એપની મદદથી લાભાર્થીઓ સરળતાથી કોઈપણ સરકારી રેશનની દુકાનમાંથી તેમનું રેશન મેળવી શકશે.

આ એપ ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક રહેશે, જેઓ આજીવિકા માટે તેમના ઘરથી બીજા કોઈ સ્થળે સ્થળાંતર કરે છે. વન નેશન વન રેશનકાર્ડ સિસ્ટમના અમલથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અને અન્ય કલ્યાણકારી યોજનાઓમાં ખાસ કરીને સ્થળાંતર કામદારો અને તેમના પરિવારો માટે ફેયર પ્રાઇસ શોપ પર લાભાર્થીઓને રાશનની ઉપલબ્ધતાની ખાતરી થાય છે.

આ પ્રસંગે ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે,વન નેશન વન રેશનકાર્ડ યોજના શરૂઆતમાં ઓગસ્ટ 2019 માં ચાર રાજ્યોમાં શરૂ કરવામાં આવી હતી. અને ખૂબ જ ટૂંકા સમયમાં ડિસેમ્બર 2020 સુધીમાં 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેને લાગુ કરવામાં આવી હતી. બાકીના 4 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આસામ, છત્તીસગઢ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પણ આગામી કેટલાક મહિનામાં લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે.

Mera Ration એપના ફાયદા

વાજબી ભાવની દુકાન શોધો.

ખાદ્ય પાત્રતાને તપાસો.

તમારા દ્વારા કરવામાં આવેલ હાલના ટ્રાંજેક્શન વિશે જાણો.

આધાર સીડિંગ સ્ટેટ જુઓ.

સ્થળાંતર કરનારાઓ તેમના સ્થળાંતરની વિગતો એપ્લિકેશન દ્વારા  નોંધણી કરાવી શકે છે.

સૂચનો અથવા પ્રતિસાદ આપવાનો વિકલ્પ હશે.

(દેવાંશી)