ખેલો ઈન્ડિયા પર મોદી સરકાર થઈ મહેરબાન,સ્પોર્ટ્સ બજેટમાં બમ્પર વધારો
દિલ્હી:કેન્દ્ર સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું અને ઘણા ક્ષેત્રો માટે કરોડો રૂપિયાની જાહેરાત કરી. ખેલ મંત્રાલયના બજેટ પર નજર કરીએ તો આ વખતે બમ્પર વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે યુવા અને રમતગમત બાબતોના મંત્રાલય માટે 3389 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું છે, જે ગયા વર્ષના બજેટ કરતાં ઘણું વધારે છે.
વર્ષ 2022-23ના બજેટમાં યુવા અને રમત મંત્રાલય માટે 2671 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2023-24ના બજેટમાં 3389 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મોદી સરકાર દ્વારા ખેલો ઈન્ડિયાના બજેટમાં 400 કરોડ રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે, હવે તેનું બજેટ વધારીને 1000 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં રમતગમતના પ્રચાર માટે 15 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી માટે 107 કરોડ રૂપિયા ફાળવ્યા છે.નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનને સહાય માટેનું બજેટ હવે રદ કરવામાં આવ્યું છે, ગયા વર્ષે અહીં 280 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.