દિવાળી પૂર્વ કેન્દ્ર સરકારે જનતાને આપી મોટી રાહત
દિલ્હીઃ દિવાળીની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે દિવાળીની મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રાહત આપી છે. પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી રૂ. 5 અને ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યુટી રૂ.10 ઓછા કરવામાં આવ્યાં છે. મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થતા મોટી રાહત મળી છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પણ નિવેદન કર્યું છેકે, ગ્રાહકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટના દર ઓછા કરવા વિનંતી કરી હોવાનું જાણવા મળે છે. ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 10નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલ-ડીઝલના એક્સાઈઝ ડ્યુટીમાં કરેલા ઘટાડાનો લાભ વાહનચાલકોને આવતીકાલે ગુરુવારે સવારથી મળશે.
પેટ્રોલની કિંમતમાં સતત વધારા વચ્ચે દિવાળીની પૂર્વ સંધ્યાએ દેશની જનતાને મોટી રાહત આપી છે. પેટ્રોલની કિંમતમાં છેલ્લા સાત દિવસથી અને ડિઝલની કિંમતમાં સતત છ દિવસથી 30થી 35 પૈસાનો વધારો થતો હતો. દિલ્હીમાં આઈઓસીના પંપ ઉપર પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 110.04 અને ડીઝલની કિંમત 98.42 પ્રતિ લીટર હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારાને પગલે વાહન ચાલકોને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો હતો. જેથી ગૃહિણીઓના બજેટ પર ખોરવાયાં હતા.